<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

ભાડે કાર લઈને GPS બંધ કરી ગાયબ થનાર કાર ચોર પોલીસના સંકજામાં : ૨૫ લાખની બે કાર જપ્ત

નંબર પ્લેટ બદલીને પોલીસને ચકમો આપનાર માસ્ટરમાઈન્ડ દીપ ડોબરિયાનો પર્દાફાશ; અગાઉ અપહરણ અને ખંડણી જેવા ગુનામાં રહી ચૂક્યો છે જેલમાં

સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે એક રીઢા આરોપી દીપ હરેશભાઈ ડોબરિયાને અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડી, ભાડે લીધેલી લક્ઝરી કારો સગેવગે કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જે પોતાની મોડસ ઓપરેન્ડી દ્વારા કાર માલિકોને લાખોનું નુકસાન પહોંચાડતો હતો.
આરોપીની ધરપકડ બાદ તેની પાસેથી અંદાજે ૨૫ લાખ રૂપિયાની કિંમતની બે કાર, જેમાં એક નંબર પ્લેટ વગરની કિયા સેલ્ટોસ અને એક અર્ટિગાનો સમાવેશ થાય છે, પોલીસે જપ્ત કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ભાડે કાર લીધા બાદ તરત જ તેનું GPS બંધ કરી દેતો અને ઓળખ છુપાવવા નંબર પ્લેટ બદલી નાખતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ડિસેમ્બર ૨૦૨૫માં અમરોલીના એક વ્યક્તિ પાસેથી ૧૧ મહિનાના કરાર પર અર્ટિગા કાર લીધી હતી, પરંતુ માત્ર એક મહિનાનું ભાડું ચૂકવીને તે કાર પરત કરવામાં આનાકાની કરતો હતો. જ્યારે માલિકે કાર માંગી ત્યારે તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગે અમરોલી પોલીસમાં અગાઉ ગુનો નોંધાયેલો હતો.
આરોપીની ગુનાખોરીનો વ્યાપ માત્ર કાર ચોરી સુધી સીમિત નહોતો; વડોદરાના એક કાર માલિકને ડરાવવા માટે તેણે સ્યુસાઇડનો વીડિયો મોકલી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની ખોટી ઓળખ બનાવીને લોકોને માનસિક દબાણ હેઠળ લાવી કાર પડાવી લેવી એ તેની મુખ્ય પદ્ધતિ હતી.
દીપ ડોબરિયાનો ગુનાહિત ઇતિહાસ જોતા સામે આવ્યું છે કે વર્ષ ૨૦૨૫માં સરથાણા પોલીસ સ્ટેશનમાં તેની સામે અપહરણ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયેલો હતો. એક અકસ્માતના નુકસાનના પૈસા વસૂલવા તેણે છરી બતાવી યુવકનું અપહરણ કર્યું હતું, જેમાં તે અગાઉ જેલની હવા ખાઈ ચૂક્યો છે.

ક્રાઈમ બ્રાન્ચ હવે આ આરોપીના સમગ્ર નેટવર્ક અને તેના દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. આરોપીની ધરપકડ બાદ સુરતના કાર ભાડે આપતા વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ હાશકારો અનુભવ્યો છે અને પોલીસને કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે.

(3:22 PM IST)