<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ATM પર પૈસા જમા કરતા પહેલાં સાવધાન! વડોદરામાં ફેક PhonePe એપથી ઠગાઈ કરતો શાતિર ગઠિયો ઝડપાયો, 12 ગુનાનો ભેદ ઉકેલાયો

વડોદરામાં ATM બહાર ઊભો રહી લોકોને વિશ્વાસમાં લઈ ખિસ્સા ખાલી કરતો હતો આરોપી રૂદ્ર સવાજ, નકલી એપથી ફેક ટ્રાન્સફર મેસેજ બતાવી ₹80,500ની છેતરપિંડી, પોલીસે લાઈવ ડેમો કરી ભાંડો ફોડ્યો

વડોદરા તા.૨૭ : જો તમે ATM પર કેશ જમા કરવા જતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. વડોદરા શહેર પોલીસે ATM ફ્રોડ કરતી ગેંગના એક શાતિર આરોપીની ધરપકડ કરી છે.

 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ATM મશીનની બહાર ઊભો રહેતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ કેશ જમા કરવા આવે ત્યારે તે વિશ્વાસ જીતીને કહેતો કે, તું મને કેશ આપ, હું તારા સ્કેનર પર ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી દઉં છું.

 

લોકો વિશ્વાસમાં આવી કેશ આપી દેતા અને આરોપી પોતાના મોબાઈલમાં રહેલી નકલી PhonePe જેવી ફેક એપ દ્વારા સફળ ટ્રાન્સફરનો ફેક મેસેજ બતાવી દેતો હતો. પૈસા ખરેખર જમા થતા જ નહોતા.

 

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પોલીસ સ્ટેશનમાં જ તેનો લાઈવ ડેમો કરાવ્યો હતો. જેમાં એક ક્લિકમાં ₹50 લાખ સુધીના ફેક ટ્રાન્સફરનો મેસેજ બતાવી દેતો હતો.

 

પોલીસ પૂછપરછમાં આરોપીએ સુરત, અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢ સહિત 4 મોટા શહેરોમાં 12 જેટલા ગુના કબૂલ્યા છે. જેમાં જૂનાગઢના બહાઉદ્દીન કોલેજ પાસે ₹12,000 અને કાળવા ચોક પાસે ₹7000ની ઠગાઈનો પણ સમાવેશ થાય છે.

 

હાલ સી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(2:19 PM IST)