<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

નવસારીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વ અને સંગઠનના સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

શહેરના શાંતાદેવી વિસ્તારમાંથી એક વિશાળ શોભાયાત્રા યોજાઈ :યાત્રામાં શહેરના મેયર, સ્થાનિક ધારાસભ્ય તેમજ વિવિધ વોર્ડના નગરસેવકો સહિત હજારો નગરજનો સહભાગી થયા :શહેરના અલગ-અલગ 21 જેટલા નિર્ધારિત સ્થળોએ વિશેષ ઊંચાઈ પર મટકીઓ બાંધવામાં આવી

નવસારી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા જન્માષ્ટમી પર્વ તેમજ સંગઠનના સ્થાપના દિવસની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારીમાં VHP દ્વારા છેલ્લા 62 વર્ષથી આ ભવ્ય પરંપરા અવિરતપણે જાળવી રાખવામાં આવી છે. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરભરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

   આ પાવન અવસરે શહેરના શાંતાદેવી વિસ્તારમાંથી એક વિશાળ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શહેરના મેયર, સ્થાનિક ધારાસભ્ય તેમજ વિવિધ વોર્ડના નગરસેવકો સહિત હજારો નગરજનો ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા. સમગ્ર રૂટ "જય શ્રીકૃષ્ણ"ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યો હતો. 

  શહેરના અલગ-અલગ 21 જેટલા નિર્ધારિત સ્થળોએ વિશેષ ઊંચાઈ પર મટકીઓ બાંધવામાં આવી છે. ગોવિંદાઓની ટોળીઓ ઉત્સાહભેર આ મટકીઓ ફોડવા માટે પહોંચી રહી છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા છે.

(4:39 PM IST)