<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ગાંધીનગર ખાતે સન્ડે ઓન સાયકલના ૯૯મા સંસ્કરણનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

સંવિધાન દિવસના ઉપલક્ષ્યમાં દેશભરમાં ૨૬,૦૦૦ સ્થળોએ ‘સન્ડે ઓન સાયકલિંગ’નું આયોજન:કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ યુવાનોને ફિટનેસ કોન્શિયસ અને નેશન કોન્શિયસ બની ‘વિકસિત ભારત’ સાથે જોડાવા કર્યું આહવાન

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર:ગાંધીનગરના દાંડી કુટિર ખાતેથી કેન્દ્રીય યુવા બાબતો, રમત ગમત અને શ્રમ રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સન્ડે ઓન સાયકલના ૯૯મા સંસ્કરણનો પ્રારંભ કરાવ્યો હતો.
  ‘સંવિધાન દિવસ’ના ઉપલક્ષ્યમાં દેશભરમાં ૨૬,૦૦૦ સ્થળોએ ‘સન્ડે ઓન સાયકલિંગ’નું આયોજન કરવામાં આવ્યું છે, જે સંવિધાન દિવસને સાયકલિંગ દ્વારા સમર્પિત કરે છે. આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે, સન્ડે ઓન સાયકલ પહેલ ધીમે-ધીમે આગળ વધી રહી છે અને દેશના યુવાનોને ફિટ રહેવાનો સંદેશ આપી રહી છે.
   મનસુખભાઇ માંડવીયાએ કહ્યું હતું કે, ‘સન્ડે ઓન સાયકલિંગ’ દેશના યુવાનોને માત્ર ‘કરિયર કોન્શિયસ’ જ નહીં, પરંતુ ‘ફિટનેસ કોન્શિયસ’ અને ‘નેશન કોન્શિયસ’  બનાવવાનો મંત્ર છે. તેમણે ઉમેર્યું કે, સાયકલિંગ સાથે જોડાઈને લોકો સ્વસ્થ રહી શકે તે માટે નાગરિકોએ  સાયકલિંગને ‘ફેશન’ અને સાથે જ ‘પેશન’ પણ બનાવવું જોઈએ.
  સાયકલિંગના મહત્વ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે, જેમ દૂધ એ સંપૂર્ણ આહાર છે, તેમ સાયકલિંગ એ ‘સંપૂર્ણ એક્સરસાઈઝ’ છે. સાયકલિંગ એ ફિટનેસનો મંત્ર, પ્રદૂષણનું સોલ્યુશન અને ટ્રાફિકનું સમાધાન છે. આ ઉપરાંત, સાયકલિંગ એ ૨૦૩૬ના ઓલિમ્પિક્સ માટેનો પણ એક સંદેશ છે.
 આગામી ૨૯ નવેમ્બરના રોજ દેશમાં ‘સન્ડે ઓન સાયકલિંગ’ની ૧૦૦મી એડિશન યોજાવા જઈ રહી છે તેનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “બિંદુ-બિંદુથી સરોવર ભરાય છે અને નાના-નાના કાંકરાથી મોટો ડેમ બને છે.” એમ આપણો આ નાનકડો પ્રયાસ ધીમે-ધીમે દેશમાં ફિટનેસનો મંત્ર બની ગયો છે.
   પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ માટે આપેલા ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના નાગરિકોનું ફિટ રહેવું અત્યંત આવશ્યક છે. નાગરિકો ફિટ રહેશે તો સમાજ સ્વસ્થ રહેશે અને સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે તેમ ઉમેરી શ્રી મનસુખ માંડવીયાએ દેશના તમામ યુવાનો અને નાગરિકોને ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે જોડાવા માટે પોતાને ફિટ રાખવા અને સાયકલિંગ સાથે જોડાવા અપીલ કરી હતી.
  આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સન્ડે ઓન સાયકલ પહેલની શરૂઆત કરનાર અને ૯૯મી એડિશન સુધી એક પણ એડિશન ચૂક્યા વગર તેને સતત આગળ ધપાવનાર કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાનો સમગ્ર યુવા વર્ગ વતી આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સાતત્યએ પોતે જ એક અત્યંત મહત્વપૂર્ણ આદત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવા તથા યુવાનોને પ્રેરણા આપવા માટે તેઓ લાંબા સમયથી ‘સન્ડે ઓન સાયકલ’ અભિયાન ચલાવી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ખેલ મંત્રીને રમતગમત અને ફિટનેસ ક્ષેત્રે પોતાના વિભાગ તથા દિનચર્યાના માધ્યમથી સૌને આ જ રીતે સતત પ્રેરણા આપતા રહેવા અનુરોધ કર્યો હતો.
  આ પ્રસંગે બંને મંત્રીઓએ સાયકલ સવારો સાથે ઉત્સાહભેર જોડાઈ સાયકલની સવારી કરી ગાંધીનગરવાસીઓને ફિટનેસ પ્રત્યે જાગૃત થવાનો સંદેશ આપ્યો હતો.
  આ કાર્યક્રમમાં પંજાબ સરકારના શ્રમ મંત્રી તરુણપ્રીત સિંહ સોંદ, ભારત સરકારના શ્રમ સચિવ ચંદ્રભૂષણ કુમાર, ફિટ ઈન્ડિયા એમ્બેસેડર રાકેશ સૈની અને ભીષ્મ મઢાણી તેમજ આંતરરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ ખેલાડી આધ્યા તિવારી, એશિયન ગેમ્સ-૨૦૨૬ના કાંસ્ય ચંદ્રક વિજેતા જય મીણા તથા ભારતના પૂર્વ આંતરરાષ્ટ્રીય સોફ્ટ ટેનિસ ખેલાડી અનિકેત પટેલ સહિત વિશાળ સંખ્યામાં ગાંધીનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:58 PM IST)