<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

PTC માટે ચાલુ વર્ષે ફરીવાર કેન્‍દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા લાગુઃ ૨૪ જૂનથી ૫ જુલાઈ સુધી રજિસ્‍ટ્રેશન

આગામી વર્ષોમાં મોટી સંખ્‍યામાં પ્રાથમિક શિક્ષકની ભરતીની થવાની હોવાથી ગત વર્ષે ભારે ધસારો થયો હતો : અગાઉ કોલેજોએ સ્‍વતંત્ર રીતે પ્રવેશ કાર્યવાહી કરતાં વિદ્યાર્થીઓએ હેરાનગતિ ભોગવવી પડી હતીઃ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ફરીવાર પ્રવેશ માટે કેન્‍દ્રીય પદ્ધતિ લાગુ કરી, બેઠકોની વિગતો હવે જાહેર કરાશે

અમદાવાદ,તા.૨૨: રાજ્‍યની પીટીસી- (D.EI.ED) કોલેજમાં પ્રવેશ માટે ગત વર્ષે કોલેજોએ પોતાની રીતે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્‍યા બાદ ચાલુ વર્ષે ફરીવાર પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન એટલે કે કેન્‍દ્રીય પ્રવેશ પદ્ધતિથી જ વિદ્યાર્થીઓને જુદી જુદી કોલેજમાં પ્રવેશ ફાળવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. પીટીસી કોલેજમાં પ્રવેશ ઇચ્‍છતા વિદ્યાર્થીઓને ૨૪મી જૂનથી લઈને ૫મી જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરવા સૂચના આપવામાં આવી છે. ગત વર્ષે ૧૦૨ કોલેજોની અંદાજે ૧૦ હજાર બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવી હતી. ડિપ્‍લોમા કે આઈટીઆઈ પાસ હોય તેવા વિદ્યાર્થીઓ પણ દરખાસ્‍ત કરી શકશે.

ધો.૧૨ આર્ટસ, કોમર્સ અને સાયન્‍સ પછી બે વર્ષના પીટીસી કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. અગાઉ કેન્‍દ્રીય પ્રવેશ પદ્ધતિ પ્રમાણે અન્‍ય કોર્સની જેમ પીટીસીમાં પ્રવેશ માટે પણ ઓનલાઈન રજિસ્‍ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી. સૂત્રો કહે છે કે, છેલ્‍લા કેટલાય વર્ષોથી પીટીસીમાં બેઠકો ખાલી પડતી હતી. પીટીસીની અંદાજે ૧૦૨ જેટલી કોલેજોમાં ૧૦ હજાર જેટલી બેઠકો પૈકી ૪થી ૫ હજાર બેઠકો પણ ભરાતી ન હોવાથી કેન્‍દ્રીય પ્રવેશ પ્રક્રિયા રદ કરીને ગત વર્ષે કોલેજોને પોતાની રીતે મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની સૂચના આપી દેવામાં આવી હતી. મહત્ત્વની વાત એ હતી કે, રાજ્‍યમાં આગામી પાંચ વર્ષમાં મોટી સંખ્‍યામાં પ્રાથમિક સ્‍કૂલોમાં શિક્ષકોની જગ્‍યાઓ ખાલી પડવાની છે અને આ જગ્‍યાઓ ભરવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી વાતો અને જાહેરાતના આધારે ગત વર્ષે અચાનક પીટીસી કોલેજમાં પ્રવેશ માટે ભારે ધસારો થયો હતો. ભૂતકાળમાં જે સંસ્‍થાઓએ પોતાની પીટીસી કોલેજો ભરાતી ન હોવાથી બંધ કરી દીધી હતી અથવા તો જે તે વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા તેવો નિર્ણય કર્યો હતો તે તમામ કોલેજોના સંચાલકોએ વિદ્યાર્થીઓના ભારે ધસારાનો લાભલેવા માટે કોલેજો ફરી શરૂ કરવા માટે દોડધામ કરી હતી.

 કેટલાક સંચાલકોએ કોર્ટમાં જઈને પણ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવા માટેની મંજૂરી મેળવી લીધી હતી. આમ, ગત વર્ષે જે પ્રકારની સ્‍થિતિ ઊભી થઈ તે જોતાં સરકારે પીટીસીમાં કેન્‍દ્રીયકૃત પ્રવેશ પદ્ધતિ ફરીવાર લાગુ કરવી જોઈએ તેવી માગણી ઉઠી હતી. જેના અનુસંધાનમાં ચાલુ વર્ષે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પીટીસીમાં પ્રવેશ માટે કેન્‍દ્રીયકૃત પ્રવેશ પક્રિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી ૫મી જુલાઇ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. આર્ટસ, કોમર્સ અને સાયન્‍સમાં ધો. ૧૨ પાસ થયેલા અને ડિપ્‍લોમા કે આઇટીઆઇ પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે.

ધો.૧૨માં ૫૦ ટકા ગુણ હોવા જરૂરી છે. વિદ્યાર્થીઓએ ધો.૧૦ કે ૧૨માં જે માધ્‍યમમાં અભ્‍યાસ કર્યો હોય તેમાં પ્રવેશ માટે દરખાસ્‍ત કરી શકશે. નેશનલ કાઉન્‍સિલની માન્‍યતાં ધરાવતી કોલેજોએ કેન્‍દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ૩૦મી જૂન સુધીમાં અરજી કરવા તાકીદ કરવામાં આવી છે.

(9:50 AM IST)