<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં જળબંબાકારની શકયતા : દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના

અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે:મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યત

અમદાવાદ :ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. ખેડૂત ભાઈઓ લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે ગુજરાત તરફ ભારે વરસાદની સિસ્ટમ આગળ વધવાની શક્યતા છે. આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આગામી દિવસોમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને આણંદ સહિતના વિસ્તારોમાં પણ 3 દિવસ દરમિયાન 4 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. જો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બને તો કેટલાક વિસ્તારોમાં 5થી 6 ઇંચ સુધીનો વરસાદ પણ થઈ શકે છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત માટે આગાહી વધુ મહત્વપૂર્ણ છે. અહીં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેટલાક સ્થળોએ 8થી 10 ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે. નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે નાની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છમાં કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ગીર સોમનાથમાં 3થી 4 ઇંચ વરસાદની શક્યતા છે, જ્યારે દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થવાની શક્યતા છે. તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવા અને નદી-નાળામાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. જોકે, સ્થાનિક પરિસ્થિતિ અને સિસ્ટમની તીવ્રતા પ્રમાણે વરસાદનું પ્રમાણ બદલાઈ શકે છે. તેથી નાગરિકો અને ખેડૂતોને હવામાન વિભાગની તાજી આગાહીઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

(5:21 PM IST)