<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: વડોદરામાં શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું

​૧૫ વર્ષથી ઓછી વયના બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહેલા આ વાયરસના લક્ષણો દેખાય તો જરા પણ બેદરકારી ન દાખવવા તબીબોની કડક ચેતવણી

​વડોદરા: સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે, જેને લઈને રાજ્યભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ જીવલેણ વાયરસ હવે સંસ્કારી નગરી વડોદરામાં પણ દસ્તક દઈ ચૂક્યો છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં ૩ વર્ષના એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા સ્થાનિક આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ ઘટનાને પગલે વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

​બાળકો માટે અતિ જોખમી

આરોગ્ય નિષ્ણાતોના મતે, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ અસર કરે છે અને તે ખૂબ જ જાનલેવક સાબિત થાય છે. આ વાયરસ સીધો બાળકના મગજ પર હુમલો કરે છે, જેના કારણે સ્થિતિ ગંભીર બની જાય છે. વડોદરામાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ભાયલી અને આસપાસના વિસ્તારોમાં સર્વેલન્સ, સાફ-સફાઈ અને ફોગિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

​કેવી રીતે ફેલાય છે વાયરસ?

ચાંદીપુરા વાયરસનો ફેલાવો સેન્ડફ્લાય (રેતીની માખી) દ્વારા થાય છે. આ માખીઓ ખાસ કરીને માટીના કાચા મકાનો, દિવાલોની તિરાડો અને ભેજવાળી જગ્યાઓમાં વસવાટ કરે છે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન મચ્છરો અને પશુઓ પર જોવા મળતી ઇતરડી (Ticks) ના સંપર્કથી પણ આ વાયરસ ફેલાવાનું જોખમ રહેલું છે.

​ચેતવણીના ચિન્હો: આ લક્ષણોને સામાન્ય ન ગણવા

બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જોવા મળે, તો તેને સામાન્ય તાવ સમજીને અવગણવાને બદલે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ અથવા તબીબનો સંપર્ક સાધવો જોઈએ:

​અચાનક અત્યંત તીવ્ર તાવ આવવો.
​સતત ઊલટી અને ઝાડાની ફરિયાદ.
​ચક્કર આવવા, બેભાન થઈ જવું અથવા માનસિક અસંતુલન જણાવાવુ.
​શરીરમાં ખેંચ (આંચકી) આવવી.
​બચાવ માટેના મહત્વના પગલાં

આ વાયરસથી બચવા માટે સતર્કતા એ જ શ્રેષ્ઠ ઉપાય છે. વાલીઓએ નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું:

૧. ઘરની આસપાસ સ્વચ્છતા: ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું અને કાદવ-કીચડ દૂર કરવો. દિવાલોમાં રહેલી તિરાડો ભરી દેવી.

૨. સંપૂર્ણ કપડાં: બાળકોને મચ્છર કે માખી ન કરડે તે માટે શક્ય હોય ત્યાં સુધી આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરાવવા.

૩. મચ્છરદાનીનો ઉપયોગ: રાત્રિ દરમિયાન સૂતી વખતે મચ્છરદાનીનો આગ્રહ રાખવો અને જરૂર જણાય તો મોસ્કિટો રિપેલન્ટનો ઉપયોગ કરવો.

૪. પશુઓની સંભાળ: જો ઘરમાં કે આસપાસ પશુઓ રાખતા હોવ, તો તેમની આસપાસ સ્વચ્છતા રાખવી અને ઇતરડીના નાશ માટે યોગ્ય દવાનો છંટકાવ કરવો.

(12:44 PM IST)