<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

જમીન સંપાદનમાં વધારાનો નાણાકીય બોજ ટાળવા બિનખેતીની મંજૂરીમાં ફેરફાર

યોજનામાં સમાવિષ્ટ સર્વે નંબર એક વર્ષ સુધી બિનખેતી નહીં કરાય : જમીન સંપાદનમાં વધારાનો નાણાકીય બોજ ટાળવા બિનખેતીની મંજૂરીમાં ફેરફાર

અમદાવાદ તા.૩: મહેસૂલ વિભાગે જમીન સંપાદનની કલમ-૬૫ હેઠળ બિનખેતી માટે પરવાનગી આપવામાં આવે છે તેની કાર્ય પ્રણાલીમાં મહત્‍વનો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ સરકારી કે ઉદ્યોગો સહિતના કોઈ પ્રોજેક્‍ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન સમગ્ર જમીન બિનખેતી કરાવવામાં આવતી હતી તેના બદલે સંપાદન થનારી સર્વે નંબર માટે બિનખેતીની મંજૂરી અંગેની કાર્યવાહી સ્‍થગિત કરવામાં આવશે. તેમજ અન્‍ય સર્વે નંબર માટે બિનખેતીની મંજૂરી અંગેની કાર્યવાહી કરી શકાશે. આ નિર્ણયથી જમીન સંપાદનની પ્રક્રિયા વખતે જ જમીનના માલિકો પોતાની જમીન બિનખેતી કરાવી લેતા હતા તેના કારણે સંપાદનમાં આર્થિક બોજો વધી જતો હતો તે ઓછો થઈ શકશે.

વિવિધ પ્રોજેક્‍ટ માટે મોટાપાયે જમીન સંપાદન કરવા અંગે કાયદાકીય ગૂંચવણો પણ દૂર કરવા મહેસૂલ વિભાગ દ્વારા ફેરફાર કરાયો છે. કલમ ૬૫ હેઠળ જે બિનખેતીની પરવાનગી અપાય છે તેમાં જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન જ બિનખેતી કરાવી લેવામાં આવે છે. તેના કારણે પ્રોજેક્‍ટ ઉપર અસર થાય છે એટલું જ નહીં સંપાદક સંસ્‍થા ઉપર પણ વધારાનો બોજો પડતો હોય છે. તેને ટાળવા માટે ૨ જૂને જારી કરાયેલી સૂચના મુજબ હવે સંપાદક સંસ્‍થા દ્વારા ડીપીઆર (ડિટેઇલ પ્રોજેક્‍ટ રિપોર્ટ) તૈયાર કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ હોય તેવા તબક્કે યોજનામાં સંભવિત સમાવિષ્ટ થનારા ગામોની યાદી સંબંધિત જિલ્‍લા કલેક્‍ટરને સોંપી દેવાયા બાદ તે પ્રમાણેના ગામની બિનખેતીની મંજૂરી અંગેની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્‍થગિત કરવાની રહેશે. તે દરમિયાન સંપાદન કરવાપાત્ર સંભવિત સર્વે નંબરની ઓળખની કાર્યવાહી પૂર્ણ થાય તે પછી માત્ર સંપાદન થનારા સર્વે નંબર માટે જ બિનખેતીની મંજૂરી કરવાની કાર્યવાહી સ્‍થગિત કરવાની રહેશે. તો અન્‍ય સર્વે નંબર માટે બિનખેતી અંગેની કાર્યવાહી કરી શકાશે.

સંભવિત સર્વે નંબરની ઓળખ થયા બાદ સંપાદક સંસ્‍થા દ્વારા અલાઈન્‍મેન્‍ટ કે યોજનાનું આખરીકરણ થયેથી અલાઇન્‍મેન્‍ટ કે યોજનામાં સમાવેશ કરવા સંપાદન કરવાપાત્ર સર્વે નંબરની યાદી કલેક્‍ટરને રજૂ કરવાની રહેશે. આવા સર્વે નંબર માટે એક વર્ષ સુધી બિનખેતી અંગેની કાર્યવાહી એક વર્ષ સુધી સ્‍થગિત કરવાની રહેશે. તેથી સંપાદક સંસ્‍થા જમીન સંપાદનને સંબંપિત મંજૂરી મેળવી શકે અને તે માટે દરખાસ્‍ત કરી શકે.

(1:14 PM IST)