News of Thursday, 29th October 2026
ભારતીય લગેજ બજારમાં બદલાતો ટ્રેન્ડ : હવે ગ્રાહકોને માત્ર મજબૂત નહીં, સ્ટાઇલિશ અને જીવનશૈલીને અનુરૂપ બેગ જોઈએ છે
હવાઈ મુસાફરી અને પ્રવાસો વધતાં લગેજની પસંદગીમાં મોટો બદલાવ : નવી પેઢી માટે બેગ હવે માત્ર સામાન રાખવાનું સાધન નહીં, જીવનશૈલીનો હિસ્સો : વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝના વડા અતુલ જૈન

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ : ભારતમાં હવાઈ મુસાફરી વધુ સુલભ બનવાની સાથે લોકોના પ્રવાસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે દેશના લગેજ બજારમાં પણ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. ભારતીય ગ્રાહકો હવે માત્ર લાંબો સમય ટકી રહે તેવી મજબૂત બેગને બદલે પોતાની જીવનશૈલીને અનુરૂપ, ઉપયોગમાં સરળ અને આકર્ષક લગેજની પસંદગી કરી રહ્યા છે.
વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અતુલ જૈને જણાવ્યું હતું કે અગાઉ એક આખો ભારતીય પરિવાર એક કે બે મોટા ટ્રંક લઈને મુસાફરી કરતો હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. લોકો વારંવાર પ્રવાસે જાય છે અને પરિવારના દરેક સભ્યની પસંદગી તથા જરૂરિયાતો પણ અલગ હોય છે.
તેમણે જણાવ્યું હતું કે આજના ગ્રાહકોને માત્ર દસ વર્ષ સુધી ટકી રહે તેવી બેગ જોઈતી નથી. તેઓ એવો લગેજ પસંદ કરે છે, જે તેમની જીવનશૈલીને અનુરૂપ હોય, ઉપયોગમાં સરળ હોય અને ખર્ચેલા નાણાંનું યોગ્ય વળતર આપે.
ખાસ કરીને યુવા ગ્રાહકોમાં આ પરિવર્તન વધુ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. નવી પેઢી એટલે કે ‘જનરેશન ઝેડ’ હવે લગેજ બજારમાં એક મહત્ત્વપૂર્ણ ગ્રાહક વર્ગ તરીકે ઊભરી આવી છે.
અતુલ જૈનના જણાવ્યા અનુસાર ભારતીય લગેજ બજારમાં હાલમાં બેવડી ગતિએ બદલાવ આવી રહ્યો છે. એક તરફ હવાઈ મુસાફરી અને પ્રવાસોની સંખ્યા વધી રહી છે, તો બીજી તરફ ગ્રાહકોની પસંદગી પણ બદલાઈ રહી છે. હવે લગેજને માત્ર મુસાફરી દરમિયાન સામાન લઈ જવાની જરૂરિયાત તરીકે નહીં, પરંતુ વ્યક્તિની જીવનશૈલી સાથે જોડાયેલા ઉત્પાદન તરીકે પણ જોવામાં આવે છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
