તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ખેડામાં વરાંસી નદી પર 2.85 કરોડના ખર્ચે બનેલો ચેકડેમ સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે રેતીમાં ગરકાવ !!
નદીના તળથી નીચે ચેકડેમ બનાવવાની ટેકનિકલ ભૂલને લીધે પાણીનો સંગ્રહ થતો નથી, જેનાથી 50 ગામોમાં જળ સંકટ ઊભું થયું:ગાંધીનગરની ટીમ પાસે તપાસની માગ કરી

ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં સિંચાઈ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. વરાંસી નદી પર અંદાજે 2.85 કરોડના ખર્ચે પાણીના સંગ્રહ માટે બનાવેલો ચેકડેમ માત્ર એક જ વર્ષમાં નકામો સાબિત થયો છે. સ્થાનિકો અને ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અધિકારીઓએ પ્રોજેક્ટના આયોજનમાં બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે, જેના કારણે સરકારી નાણાંનો આંધળો વેડફાટ થયો છે. નવાઈની વાત એ છે કે, સિંચાઈ વિભાગે આ ચેકડેમ નદીના કુદરતી તળથી પણ નીચેના સ્તરે બનાવ્યો છે, પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થવાને બદલે સમગ્ર સ્ટ્રક્ચર રેતીના થરો નીચે દફન ગયું છે. જેથી કરોડોનો ખર્ચ એળે ગયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
આ ચેકડેમના નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કપડવંજ સહિત આસપાસના 50 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડવાનો હતો. જોકે, ટેકનિકલ ખામી અને ક્ષતિગ્રસ્ત આયોજનને કારણે આ વિસ્તારમાં હવે જળ સંકટ ઘેરાવાની પૂરેપૂરી શક્યતા છે. ખેડૂતોને આશા હતી કે ચેકડેમથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને ઉનાળામાં ખેતી માટે સિંચાઈની સુવિધા મળશે, પરંતુ હવે પરિસ્થિતિ ઉલટી થઈ છે. પાણીનો સંગ્રહ ન થવાને કારણે ખેડૂતોએ આગામી સમયમાં ખેતીના પાક માટે વલખા મારવા પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જનતાને શૂન્ય ફાયદો થતા વહીવટી તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
આ સમગ્ર કૌભાંડ જેવી સ્થિતિને પગલે સ્થાનિક આગેવાનો અને ખેડૂત સંગઠનો દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરવામાં આવી છે. લોકોનું કહેવું છે કે સ્થાનિક કક્ષાએ તપાસમાં ભીનું સંકેલાય તેવી શક્યતા હોવાથી ગાંધીનગરની સ્પેશિયલ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે .
જે અધિકારીઓની દેખરેખ હેઠળ આ નબળું અને ખામીયુક્ત નિર્માણ થયું છે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર છે. જો સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો જનતાના નાણાંનો આ રીતે જ દુરુપયોગ થતો રહેશે અને સરકારી તિજોરીને નુકસાન પહોંચતું રહેશે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
