<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ખેડાના સેવાલીયા નજીક મહીસાગર નદી પાસે લક્ઝરી બસમાં ચેકિંગ : 4 દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે એક શખ્શ ઝડપાયો

પોલીસે 1.03 લાખના મુદ્દામાલ સાથે 31 વર્ષીય શખ્સની ધરપકડ કરી: મધ્યપ્રદેશથી લાવેલા હથિયારો અમદાવાદ મંગાવાયા હોવાનો ખુલાસો થતા મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા

ખેડા જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી સામે સેવાલીયા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર નદી નજીક આવેલી જૂની પોલીસ ચેકપોસ્ટ પરથી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સને ચાર દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ચાર પિસ્ટલ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

મળતી માહિતી મુજબ, સેવાલીયા પોલીસની ટીમ મહીસાગર નદી નજીક આવેલી જૂની પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન ગોધરા તરફથી આવતી અલી ગગન ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર AR 06 C 4578ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. બસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સની તપાસ દરમિયાન તેની પાસેથી લોખંડની મેગેઝીનવાળી ચાર હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી.

 

 

પોલીસે હથિયારો સાથે ઝડપાયેલા શખ્સની ઓળખ ઉત્તરપ્રદેશના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા 31 વર્ષીય અનુજ ઉર્ફે આયાગ વિજયપાલસિંહ યાદવ તરીકે કરી છે. પોલીસે ચાર પિસ્ટલની અંદાજિત કિંમત રૂ. 1 લાખ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

પ્રાથમિક તપાસમાં હથિયારોની હેરાફેરીના નેટવર્ક અંગે કેટલીક મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. જેમાં મધ્યપ્રદેશના ખલઘાટ ખાતે રહેતા 'દાદા' નામના શખ્સે આ હથિયારો આપ્યાં હોવાનું અને અમદાવાદના મયંક ઉર્ફે સચિન રાજેશ ભારદ્વાજે હથિયારો મંગાવ્યાં હોવાની વિગતો તપાસમાં સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

હવે આ હથિયારો મધ્યપ્રદેશથી ક્યાંથી લાવવામાં આવ્યાં હતાં, ગુજરાતમાં કોને પહોંચાડવાના હતાં અને આ સમગ્ર હેરાફેરીમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે સહિતના મુદ્દે સેવાલીયા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ચાર હાથ બનાવટની પિસ્ટલ સાથે એક શખ્સની ધરપકડ બાદ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા સેવાઈ રહી છે.

 

(7:01 PM IST)