News of Wednesday, 4th November 2026
દિવાળી પહેલાં શાકભાજી સસ્તા થતાં ગૃહિણીઓને હાશકારો
રૂ.૬૦ના કિલોએ પહોંચેલા ટામેટાં રૂ.૨૦ના કિલો અને અન્ય શાકભાજી પણ રૂ.૬૦થી ૭૦ના ક્લિો

અમદાવાદ,તા.૪: દિવાળીના સૌથી મોટાં તહેવાર પહેલાં જ શાકભાજીના ભાવમાં થયેલાં નોંધપાત્ર ઘટાડાના લીધે ગૃહિણીઓને મોટી રાહત મળી છે. ટામેટાં, બટાકા, લીંબુ, કોથમીરથી માંડીને મોટાભાગના શાકભાજીની કિમતો પ્રમાણમાં ૪૦ ટકા સુધી ઘટી ગઇ છે. હજુ ૧૫ દિવસ પહેલાં ૫૦થી ૬૦ રૂપિયે કિલો વેચાતા ટામેટાંથી હેરાન નાગરિકો ૨૦ રૂપિયે ટામેટાં મળતાં રાજી થઈ ગયાં છે અને એની સાથે જ અન્ય શાકભાજી પણ સસ્તાં મળતાં ગૃહિણીઓને જાણે બજેટ સચવાઈ ગયું હોય એવી લાગણી થઇ રહી છે.
નવેમ્બર મહિનાના પ્રારંભ સાથે જ શાકભાજીની આવક પણ વધી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યાં છે. ખાસ કરીને ટામેટાં, બટાકા, કોબીજ, ફૂલાવર, મેથી જેવા શિયાળાના શાકભાજીની આવક વધી છે. બજારમાં નવો માલ મોટાં પ્રમાણમાં ઠલવાઇ રહ્યો છે અને સૂત્રોથી મળતી માહિતી મુજબ એપીએમસી માર્કેટમાં શાકભાજીનો જથ્થો એટલો આવી રહ્યો છે કે ભાવ જબજસ્ત રીતે ગગળી ગયા છે. ખાસ કરીને ૫૦થી ૬૦ રૂપિયે કિલો મળતાં ટામેટાં હાલ ૨૦ રૂપિયે કિલો વેચાઇ રહ્યાં છે. એમાંય નાનાં અને સાધારણ ગુણવત્તા વાળા ટામેટાં તો ૧૫ રૂપિયે કિલો અથવા ૩૦ રૂપિયાના બે કિલો વેચાઈ રહ્યાં છે.
એવા જ હાલ રસોડાના રાજા ગણાતા બટાકાના પણ છે. બટાકાનો નવો માલ બજારમાં ઠલવાતાંની સાથે જ એની સીધી અસર ભાવ પર જોવા મળી રહી છે. ગત મહિને ૫૦ રૂપિયાના દોઢ કિલોના હિસાબે વેચાતા બટાકા હાલ ૫૦ રૂપિયામાં બે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. એમાંય નાના અને હલકી ક્વોલિટીની બટાકા ૫૦ રૂ.માં ત્રણ કિલો સુધી વેચાઇ રહી છે. ગયા મહિને લીંબુની કિમતોએ રડાવી રહ્યા હતા અને ૩૦૦થી ૪૦૦ રૂપિયે કિલો સુધી પહોંચી ગયા હતા. જેના ભાવ પણ અત્યારે ઘટીને ૧૫૦ રૂપિયે કિલો સુધી આવી ગયા છે.
જમાલપુરના વેપારી છનાભાઈ પટણીનું કહેવું છે કે બજારમાં નવો માલ આવવાનો શરૂ થતાં ભાવ ઓછાં થયાં છે. ટામેટાં ઉપરાંત કોબીજ અને ફૂલાવર પણ મોટાં પ્રમાણમાં ઠલવાઇ રહ્યાં છે. જેથી હોલસેલમાં આ શાકભાજી અત્યારે ૧૦ રૂપિયા કિલોની આસપાસ છે. જે છુટક બજારોમાં ૨૦થી ૪૦ રૂપિયે કિલો સુધી વેચાઈ રહી છે. કોબીજ અને ફૂલાવર ૩૦થી ૪૦ રૂપિયા થઇ ગયા છે. ફૂલાવર થોડાં દિવસ પહેલાં ૮૦ રૂપિયે કિલો હતો. લીંબુની નવી આવક પણ વધી છે અને એના ભાવ પણ કાબૂમાં આવી ગયાં છે. સાથે જ કોથમીર-મરચાં સહિતના લીલાં મસાલાના ભાવ પણ ઘટી ગયા છે. અત્યારે બજારમાં રીંગણ, કોબીજ, ફૂલાવર, મેથી, રવૈયા, રીંગણ સહિતના શિયાળાના શાકભાજીની આવક પ્રમાણમાં વધી છે. હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં હાલ માલની અછત નથી. ગત મહિને જેટલાં વાહન આવતાં હતા એનાથી ૨૦ ટકા વધુ વાહનો ભરીને શાકભાજી આવી રહ્યાં છે. હજુ શિયાળો જામતાં લીલાં શાકભાજીના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો આવે એવી શક્યતા જણાય છે.
શાકભાજીના વર્તમાન ભાવ
શાક ભાવ
ટમેટા ૨૦
કોબીજ ૪૦
ફૂલાવર ૪૦-૫૦
રીંગણ ૩૦-૪૦
બટાકા ૨૦-૨૫
દૂધી ૪૦-૫૦
મેથી ૫૦-૬૦
રવૈયા ૩૦-૪૦
લીંબુ ૧૫૦
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
