<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

છોટાઉદેપુર: ચૂંટણી જીત્યા બાદ ભાજપના સાંસદ જશુ રાઠવાનો બંદૂક સાથેનો વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાયું

છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ બનતાં જીતની ઉજવણીમાં સાંસદ જશુભાઈ રાઠવા ગાડીમાં બંદૂક લઈ નીકળ્યાનો વીડિયો વાયરલ, 'પુષ્પા સ્ટાઈલ'ને લઈ સવાલો ઉઠ્યા

છોટાઉદેપુર : છોટાઉદેપુર તાલુકા પંચાયત અને કદવાલ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ગઈકાલે યોજાઈ હતી. છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26 બેઠકોમાં ભાજપ અને આમ આદમી પાર્ટીને 13-13 બેઠકો મળી હતી. ચૂંટણી દરમિયાન ભાજપના તમામ 13 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે આપના 13માંથી એકપણ સભ્ય હાજર ન રહેતાં ભાજપે પ્રમુખ તરીકે રમેશભાઈ ભૂરસિંહભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે સુરજીભાઈ કંદુભાઈ રાઠવાની જીત સાથે બોર્ડ બનાવ્યું હતું. આપના ઉમેદવારોએ ત્રણ સભ્યોને ઉઠાવી જવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપની જીત બાદ સાંસદ જશુભાઈ રાઠવા અને સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી. આ દરમિયાન સાંસદ જશુ રાઠવા સફેદ SUV કારમાં બંદૂક લઈને નીકળ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સાંસદ ગળામાં પીળો ખેસ અને ફૂલહાર પહેરી, હાથમાં બંદૂક લઈ 'પુષ્પા સ્ટાઈલ'માં જોવા મળે છે. કાર પર 'સાંસદ' લખેલી નેમપ્લેટ અને GJ34 N 3771 નંબર દેખાય છે. ભાજપની જીતની ઉજવણી વખતે હથિયાર સાથે નીકળવાને લઈ રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે અને સવાલો ઉભા થયા છે. નેતાઓ પણ હવે રીલ્સના શૌખીન બન્યા હોવાની ટિપ્પણી થઈ રહી છે.

(4:52 PM IST)