તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
ઘાટલોડિયામાં કાર્યકરો-નાગરિકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંભળી ‘મન કી બાત’
થલતેજ વોર્ડમાં ‘મન કી બાત’ના ૧૩૭મા એપિસોડનું સામૂહિક શ્રવણ : બૂથ કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં જોડાયા ‘મન કી બાત’ એટલે પ્રેરણા, ઊર્જા અને રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ : જનભાગીદારી, વોકલ ફોર લોકલ, નારી શક્તિ, પર્યાવરણ અને નશામુક્ત ભારતનો સંદેશ

અમદાવાદ :વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના ૧૩૭મા એપિસોડનું રવિવારે દેશ અને રાજ્યભરમાં સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના થલતેજ વોર્ડ ખાતે બૂથ સ્તરના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકો સાથે ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રજોગ સંદેશનું શ્રવણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના મતવિસ્તારના કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે પ્રત્યક્ષ બેસીને વડાપ્રધાનશ્રીના વિચારો સાંભળ્યા હતા. આ અવસરે સંગઠનની શક્તિ અને જનસેવાના સંકલ્પને વધુ સુદૃઢ બનાવવાની ભાવના વ્યક્ત થઈ હતી.
‘મન કી બાત’ના માધ્યમથી વડાપ્રધાનશ્રી દ્વારા દેશના ખૂણે-ખૂણે થઈ રહેલા સામાજિક પરિવર્તનો, સ્વચ્છતા, સ્થાનિક કલા-સંસ્કૃતિ, ‘વોકલ ફોર લોકલ’ સહિતના વિવિધ વિષયો અંગે પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશના સર્વાંગી વિકાસ માટે જનભાગીદારીને મુખ્ય આધાર ગણાવી નાગરિકોને સકારાત્મક વિચારો સાથે વિકાસના માર્ગે આગળ વધવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા નવા પ્રયોગો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજીના ઉપયોગની સરાહના સાથે સ્થાનિક ઉત્પાદનો, કલા-સંસ્કૃતિ અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપીને ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણમાં યોગદાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જતન અને ‘નારી શક્તિ’ એટલે કે મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં દેશભરમાં થયેલા સફળ પ્રયોગોને રેખાંકિત કરવામાં આવ્યા હતા. સ્થાનિક ખેડૂતો દ્વારા અપનાવવામાં આવતી આધુનિક તેમજ પરંપરાગત પદ્ધતિઓની પણ સરાહના કરવામાં આવી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાધનને નશાથી મુક્ત રાખીને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી વધે તે માટે ‘નશામુક્ત ભારત અભિયાન’ને વધુ વેગવંતું બનાવવા વિશેષ આહ્વાન કર્યું હતું.
‘મન કી બાત’ દરમિયાન કૃષ્ણા શેષાદ્રી દ્વારા નિર્મિત ‘ભારતરાજ્ય’ વેબસાઇટનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમના પ્રયાસને બિરદાવવામાં આવ્યો હતો.
થલતેજ વોર્ડ ખાતે યોજાયેલા આ સામૂહિક શ્રવણ કાર્યક્રમમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
