<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના શીલજ ખાતે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીનું કર્તવ્ય નિભાવ્યું

વિકાસની ગતિને નવી ઊંચાઈએ લઈ જવા જનતાના પ્રત્યેક મતને મહત્વનો ગણાવી મુખ્યમંત્રીએ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ

 અમદાવાદ: : ગુજરાતમાં રવિવાર, ૨૬ એપ્રિલના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારના સમયે મતદાન કરી પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદના શીલજ ખાતે આવેલી પ્રાથમિક શાળાના મતદાન મથકે પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને લોકશાહીના પર્વને ઉજવ્યું હતું.

 

 જનતાનો મત વિકાસની ગતિ નક્કી કરશે:

મતદાન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જનતાનો પ્રત્યેક મત ગુજરાતની વિકાસની યાત્રાને વધુ વેગવંત બનાવી નવી ઊંચાઈએ લઈ જવામાં નિર્ણાયક સાબિત થશે. તેમણે લોકશાહીના આ પર્વને મજબૂત બનાવવા માટે મતદાનને અનિવાર્ય ગણાવ્યું હતું.

 

 નાગરિકોને મતદાન કરવા અનુરોધ:

મુખ્યમંત્રીએ રાજ્યના તમામ મતદારોને સંબોધતા લોકશાહીના આ ઉત્સવમાં સહભાગી થવા ખાસ આહવાન કર્યું હતું. તેમણે દરેક નાગરિકને પોતાની પવિત્ર ફરજ અદા કરીને નાગરિક કર્તવ્ય નિભાવવાનો અનુરોધ કર્યો હતો. શીલજ ખાતે મુખ્યમંત્રીના આગમનને પગલે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યમાં શાંતિપૂર્ણ અને વધુમાં વધુ મતદાન થાય તેવી આશા વ્યક્ત કરતા સૌને લોકશાહી મજબૂત કરવા અપીલ કરી હતી.

(11:42 AM IST)