તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Saturday, 5th September 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડભોડાના રણછોડરાયજી મંદિરે ગ્રામજનો સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી
૨૫૦ વર્ષ જૂના પૌરાણિક રણછોડરાયજી મંદિરે દર્શન-આરતી કરી પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી; હનુમાનજી મંદિરે પણ શીશ નમાવ્યું

ગાંધીનગર: : પવિત્ર જન્માષ્ટમીના પાવન પર્વે ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે આવેલા ૨૫૦ વર્ષ જૂના પૌરાણિક અને તાજેતરમાં નવનિર્મિત શ્રી રણછોડરાયજી મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ શ્રદ્ધામય માહોલમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનો સાથે કૃષ્ણ જન્મોત્સવના આણંદમાં સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરમાં ભગવાન શ્રી રણછોડરાયજીના ભક્તિભાવપૂર્વક દર્શન કરી, વિશેષ પૂજા-અર્ચના તથા આરતી કરી હતી. જન્મોત્સવ પ્રસંગે તેમણે ભગવાન કૃષ્ણના બાળસ્વરૂપના પારણાંને ઝુલાવીને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિરના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર હરિરામ સ્વામીએ મુખ્યમંત્રીશ્રીને આશીર્વચન પાઠવ્યા હતા. ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું પાઘડી પહેરાવી, શાલ ઓઢાડી તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દર્શન બાદ મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાત રાજ્યની શાંતિ, સમૃદ્ધિ, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે ભગવાન રણછોડરાયજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી અને સૌ નાગરિકોને જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. રણછોડરાયજીના દર્શન બાદ મુખ્યમંત્રીશ્રીએ ડભોડાના પ્રખ્યાત હનુમાનજી મંદિરે પણ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પાવન પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ શ્રી ભરતસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિગંત બ્રહ્મભટ્ટ સહિતના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
