તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ નાનક જયંતિના પાવન પર્વે ગાંધીનગરના પોર સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન-અર્ચન કર્યા
ગુરુ ગ્રંથ સાહિબ સમક્ષ શીશ ઝુકાવી મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી વિકાસ માટે અરદાસ કરી : લંગરમાં પ્રસાદ વિતરણ કરી સેવા-ભક્તિનો લાભ લીધો

અમદાવાદ તા.૨૪મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક સંત શ્રી ગુરુ નાનક દેવજીની ૫૫૭મી જયંતિ ગુરુપુરબના પાવન અવસરે ગાંધીનગર જિલ્લાના પોર ગામે આવેલા ગુરુદ્વારા ખાતે ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુદ્વારા ખાતે પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું અને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ, એકતા તેમજ રાજ્યના અવિરત વિકાસ માટે વિશેષ અરદાસ કરી હતી.
આ અવસરે ગુરુદ્વારા પ્રબંધક સમિતિના મુખ્ય સેવક શ્રી ગુરુપ્રીતસિંહ ધિલ્લોન તથા શ્રી પરમજીતકૌર છાબડા દ્વારા મુખ્યમંત્રીશ્રીને પરંપરાગત ખેસ- સરોપા, શાલ ઓઢાડી તેમજ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો ગુરુદ્વારા ખાતે આયોજિત લંગરમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ કરી સેવાકાર્યમાં સહભાગી થયા હતા.
આ દર્શન-પૂજન પ્રસંગે ગાંધીનગરના મેયર રૂપસિંહજી ઠાકોર, ધારાસભ્ય રીટાબેન પટેલ તથા અલ્પેશભાઈ ઠાકોર, શહેર સંગઠન પ્રમુખ આશિષભાઈ દવે સહિતના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં શીખ સમુદાયના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
