તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા એકતાનગરમાં સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓની સમીક્ષા : 'એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬'નો શુભારંભ
પરેડ સ્થળનું નિરીક્ષણ કરી વહીવટી વ્યવસ્થાઓનું માર્ગદર્શન અપાયું : ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવણીને આરે તમામ તૈયારીઓ આખરી ઓપ તરફ

રાજપીપળા, તા. ૧૭ ઓક્ટોબર : લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આગામી તા. ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય પર્વની પૂર્વતૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે એકતાનગરની ખાસ મુલાકાત લીધી હતી અને 'એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬'નો શુભારંભ કરાવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આરોગ્ય વન ખાતે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ઉજવણીના વિવિધ કાર્યક્રમો અને વહીવટી વ્યવસ્થાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પરેડ યોજાનાર સ્થળ પર રૂબરૂ પહોંચીને ત્યાં ચાલી રહેલી તૈયારીઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું તેમજ મુલાકાતીઓની સુવિધા માટેના આયોજનો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ:
આ સમીક્ષા બેઠક અને મુલાકાત વેળાએ નર્મદા નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી, આરોગ્ય કમિશનર રતનકંવન ચારણ ગઢવી, એડિશનલ ડીજીપી પીયુષ પટેલ, પ્રવાસન વિભાગના સચિવ કુલદીપ આર્ય, ગૃહ વિભાગના સચિવ હર્ષિત ગોસાવી, માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ તથા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
