તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદને આપી રૂ. ૫૮૪ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ
નવનિર્મિત આવાસોના ડ્રો તેમજ ૪૫૦થી વધુ નવનિયુક્ત સહાયક ટેકનિકલ સુપરવાઇઝર અને ૫૦ જેટલાં જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો એનાયત કરાયાં :રૂ. ૨૭૯.૮૦ કરોડનાં ૬ કામોનું લોકાર્પણ અને રૂ. ૩૦૪.૦૫ કરોડનાં ૬ કામોનું ખાતમુહૂર્ત

ગાંધીનગર્ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ ગૌરવવંતાં વર્ષ પુર્ણ થવા અવસરે આયોજિત ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મહાનગરને કુલ રૂ. ૫૮૩.૮૫ કરોડનાં વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તની ભેટ આપી હતી.
મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નવનિર્મિત આવાસોના ડ્રો અને ૪૫૦થી વધુ નવનિયુક્ત સહાયક ટેકનિકલ સુપરવાઇઝર તથા ૫૦ જેટલાં જુનિયર ક્લાર્કને નિમણૂક પત્રો પણ એનાયત કરવામાં આવ્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે સૌ નવનિયુક્ત કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવા, જનકલ્યાણ અને સમર્પણનાં ૨૫ વર્ષ આગામી ૭ ઑક્ટોબરે પૂર્ણ થઈ રહ્યાં છે. તેના ભાગરૂપે સમગ્ર દેશમાં ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ ઉજવાઈ રહ્યું છે. આ તમામ વર્ષોમાં તેમણે સ્થાપેલી વિકાસની રાજનીતિના કેન્દ્રમાં હંમેશાં સામાન્ય માનવી રહ્યો છે.
સરકારના વડા તરીકે સતત જનસેવામાં કાર્યરત રહેવાનો અનોખો વિક્રમ નરેન્દ્રભાઈએ પ્રસ્થાપિત કર્યો હોવાનું મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ વિશે વાત કરતાં મુખ્યમંત્રી એ જણાવ્યું કે, અમદાવાદમાં કાંકરિયા તળાવનો કાયાકલ્પ અને વર્લ્ડ ક્લાસ સાબરમતી રિવરફ્રન્ટ તેમના વિઝનનું પ્રતીક છે. આ માટે ત્યાં રહેતાં ઝૂંપડપટ્ટીવાસીઓને અન્યત્ર પાકાં મકાનો આપવાનો નિર્ણય તેમની મક્કમ રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવે છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન એ શરૂ કરાવેલું સ્વચ્છતા અભિયાન આજે જન ઝૂંબેશ બની ગયું છે. તે જ રીતે, આયુષ્માન યોજનાથી સામાન્ય પરિવારને પણ મોંઘી સારવારના આર્થિક બોજ અને બીમારીની સારવાર માટેના મોટા ખર્ચથી મુક્તિ મળી છે.
મુખ્યમંત્રી એ કહ્યું કે, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું વડાપ્રધાન નું સ્વપ્ન સાકાર કરવા માટે ગુજરાત ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે. તેની પાછળ શ્રી નરેન્દ્રભાઈની દૃઢ ઇચ્છાશક્તિ અને વિઝનરી નેતૃત્વ રહ્યું છે. નીતિ આયોગના અહેવાલ મુજબ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચના સ્થાને છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, રાજ્યના વિવિધ વિભાગોમાં મહત્ત્વનાં તમામ પદો પર સમયસર નિમણૂક થાય તે માટે સરકાર સતત કાર્યરત છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી એ અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સર્વાધિક ૪૫૦થી વધુ કર્મચારીઓને એક જ દિવસે નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. તેમણે તમામ નવનિયુક્ત કર્મચારીઓને પ્રામાણિકતાની શીખ આપી હતી. સાથે જ, સ્વચ્છતા પ્રત્યે સભાનતા અને ટેકનોલોજીના ઉત્તમ ઉપયોગથી પ્રજાજનોની સેવાના સંકલ્પ સાથે સંપૂર્ણ નિષ્ઠા અને ગુણવત્તાયુક્ત કામગીરીનું આહવાન કર્યુ હતું.
મુખ્યમંત્રી સૌ નાગરિકોને હકારાત્મક અભિગમ સાથે વડાપ્રધાનના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે સૌને આવકારી, અમ્યુકો માટે આજના દિવસને આનંદ અને ગૌરવનો દિવસ ગણાવ્યો હતો. તમામ નવનિયુક્ત કર્મચારીઓને અમદાવાદ શહેરની સેવાના યજ્ઞમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાની પારદર્શક નીતિઓના પરિણામે સૌને પોતાની મહેનતનું યોગ્ય ફળ મળી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ના સક્ષમ નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેરને અનેકવિધ વિકાસકીય લાભો મળ્યા છે. શહેરના સર્વાંગી વિકાસ માટે તેમણે મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમો દ્વારા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, સ્વચ્છતા, માનવ સંસાધન અને નાગરિકલક્ષી સુવિધાઓ સાથે સંકળાયેલી કામગીરીને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસલક્ષી કામગીરીનો સીધો લાભ અમદાવાદ શહેરના નાગરિકોને મળી રહે તે દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત કાર્યરત છે.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ હસમુખભાઈ પટેલ તેમજ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યો સર્વે જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, અમિતભાઈ ઠાકર, ડૉ. હસમુખભાઈ પટેલ તેમજ અમૂલભાઈ ભટ્ટ, દિનેશસિંહ કુશવાહ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ તથા અધિકારીઓ-પદાધિકારીઓ અને નિમણૂક મેળવનારા કર્મચારીઓ તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલના હસ્તે અમદાવાદમાં કરાયેલાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની વિગત
(લોકાર્પણ)
રૂ.૨૭૯.૮૦ કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં વિવિધ ૬ કામોનાં લોકાર્પણ
*૧. વાડજ જંકશન – ફોર લેન ફ્લાયઓવર બ્રિજ*
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના વાડજ જંકશન ઉપર AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અંદાજિત રૂ. ૧૨૭.૯૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફોર લેન (૨×૨) ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ.
*૨. વેજલપુર – ફોર લેન રેલવે ઓવરબ્રિજ*
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં LC-24 અમદાવાદ-બોટાદ રેલવે લાઈન ઉપર અંદાજિત રૂ. ૯૮.૬૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રાફોર લેન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ.
*૩. થલતેજ – ૩૨૯ EWS આવાસો*
TP-39 થલતેજ, ફાઈનલ પ્લોટ નં. 59 ખાતે પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત ૧૧૯૦ EWS આવાસોમાંથી અંદાજિત રૂ. ૨૨.૨૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૩૨૯ EWS આવાસોનું લોકાર્પણ.
*૪. અમદાવાદ – ૧૫ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ (FRV)*
અમદાવાદના ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. ૧૯.૭૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ૧૫ નંગ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલની ખરીદી કરી પ્રજાલક્ષી કાર્યોમાં ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાની કામગીરી.
*૫. અમદાવાદ – ૧૦ બોટ વિથ એન્જિન*
ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે બનાવાયેલ ૧૦ નંગ બોટ વિથ એન્જિનની ખરીદી કરી પ્રજાલક્ષી ઈમરજન્સી કામગીરી માટે ઉપયોગમાં લેવાની વ્યવસ્થા.
*૬. શાહીબાગ – ૧૦૮ આવાસો + ૪૬ દુકાનોનું પુનર્વસન*
TP સ્કીમ નં. ૧૪ (શાહીબાગ), ફાઈનલ પ્લોટ નં. ૧૫૭ ખાતે ‘પખાજીનો કૂવો’ નામે જાહેર થયેલી ઝૂંપડપટ્ટીઓનું હયાત સ્થળે અંદાજિત રૂ. ૭.૯૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલાં ૧૦૮ આવાસો અને ૪૬ દુકાનોનું પુનર્વસન.
(ખાતમુહૂર્ત)*
*રૂ. ૩૦૪.૦૫ કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં ૬ કામોનાં ખાતમુહૂર્ત*
*૧. રામાપીર ટેકરા – રોડ નેટવર્ક*
પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ વોર્ડમાં રામાપીર ટેકરા L.A.P. વિસ્તારમાં અંદાજિત રૂ. ૭૨.૭૮ કરોડના ખર્ચે રોડ નેટવર્ક વિકસાવવાનું કામ.
*૨. અમરાઈવાડી – ૧૮૦૦ મીમી ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન*
દક્ષિણ ઝોનમાં નાગરવેલ હનુમાન મંદિરથી ગુરુજી બ્રિજ સુધીની ૧૮૦૦ મીમી વ્યાસની અંદાજિત રૂ. ૬૫.૫૧ કરોડના ખર્ચે હયાત ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન કરવાનું કામ.
*૩. વટવા – નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને રાઈઝિંગ લાઈન*
નવાણા ખાતે અંદાજિત રૂ. ૬૧.૮૧ કરોડના ખર્ચે નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તથા રાઈઝિંગ લાઈન નાખવાની કામગીરી.
*૪. નિકોલ – AMTS/BRTS બસ ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ*
પૂર્વ ઝોનના TP-110 (નિકોલ-કઠવાડા), ફાઈનલ પ્લોટ નં. ૯૫+૯૬ ખાતે અંદાજિત રૂ. ૬૧.૮૯ કરોડના ખર્ચે AMTS તથા BRTS ઈ-બસોનાં ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ માટે પ્લોટ ડેવલપમેન્ટ કરવાનું કામ.
*૫. ત્રાગડ – બસ ડેપો/ટર્મિનસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર*
ઉત્તર પશ્ચિમ ઝોનમાં દ્વારકેશ ઓપ્યુલન્સ ક્લેટની સામે, નોબો રેસ્ટોરન્ટ, એસ.પી. રિંગ રોડ સામે આવેલા ૧૯,૮૯૬ ચો.મી.ના પ્લોટમાં બસોના પાર્કિંગ તથા ચાર્જિંગ સ્ટેશન માટે અંદાજિત રૂ. ૨૮.૦૮ કરોડના ખર્ચે
ડેપો/ટર્મિનસ બનાવવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કામ.
*૬. સાબરમતી નદી પૂર્વ કિનારો – ટુરિઝમ ટેમ્પલ સર્કિટ*
AMC હેરિટેજ વિભાગ દ્વારા સાબરમતી નદીના પૂર્વ કિનારે સપ્તઋષિ આશ્રમથી જગન્નાથ મંદિર થઈ અટલઘાટ સુધીના માર્ગને અંદાજિત રૂ. ૧૩.૯૮ કરોડના ખર્ચે ટુરિઝમ ટેમ્પલ સર્કિટ તરીકે વિકસાવવાનું કામ.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
