<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન(SIR) ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી

ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટીની મુલાકાત લઈને મુખ્યમંત્રીએ નિર્માણધીન સ્થાપના કાર્ય નિહાળ્યું:ભારતના પ્રથમ ‘સેમિકોન સિટી’ તરીકે પ્રસ્થાપિત થઈ રહેલા ધોલેરામાં સામાજિક અને ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપક વિકાસ: સુદ્રઢ ઇકોસિસ્ટમ તૈયાર થશે:અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે - ઇન્ટરનેશનલ એરપોર્ટ - ભીમનાથ-ધોલેરા લોજિસ્ટિક હબ લાઇન અને સેમી હાઇ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ્સની સર્વગ્રાહિ સમીક્ષા બેઠક

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)ની મુલાકાત લઈને ત્યાં આકાર લઈ રહેલા મહત્વપૂર્ણ ઔદ્યોગિક, સામાજિક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી રાજ્યમાં નિર્માણ થઈ રહેલા મહત્વપુર્ણ વિકાસલક્ષી ફ્લેગશીપ પ્રોજેક્ટ્સની સાઈટ મૂલાકાત લઈને સ્થળ સમીક્ષાનો ઉપક્રમ મુખ્યમંત્રીએ હાથ ધર્યો છે
આ ઉપક્રમમાં તેમણે ધોલેરા SIR અને લોથલમાં નિર્માણાધિન નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની પ્રગતિ હેઠળની કામગીરી સ્થળ સમીક્ષા કરી હતી.
તેમણે ધોલેરામાં આવી રહેલા ઉદ્યોગોના કર્મચારીઓ સહિતના લોકો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ નિર્માણની સાઈટ વિઝીટ કરી હતી.
આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝની કામગીરીમાં ધોલેરા SIR ખાતે એક્ટિવેશન એરિયામાં નિર્માણધીન 200 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઈન્ટિગ્રેટેડ સ્કૂલ, ફાયર સ્ટેશન, 42 રૂમનું અદ્યતન ગેસ્ટ હાઉસ, 600 લોકોની ક્ષમતા ધરાવતી ફૂડ કોર્ટ, 50 ટેન્ટ ધરાવતી ટેન્ટ સિટી, હોટેલ તેમજ રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ્સ જેવી વિવિધ સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના નિર્માણની કામગીરી મુખ્યમંત્રીએ નિહાળી હતી
આ ઉપરાંત, વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી 53 હેક્ટર ગ્રીન સ્પેસમાં 1.11 લાખથી વધુ રોપાઓ વાવવાની કામગીરી તેમજ વૃક્ષોના ઊંચા જીવંત દર માટે અપનાવવામાં આવેલી 'ડ્રમ પ્લાન્ટેશન' ટેકનિકનું પણ મુખ્યમંત્રીશ્રીએ મૂલ્યાંકન કર્યું હતું. પર્યાવરણ સંતુલન સાથેના ઔદ્યોગિક વિકાસની નેમ સાકાર કરતી આ કામગીરીની તેમણે સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ ધોલેરાની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટીની પણ પ્રત્યક્ષ રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થળ પર ચાલતા નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી
આ ફેસિલિટી સેમિકન્ડક્ટર ઉત્પાદન, સહાયક ઉદ્યોગો, ટેકનોલોજી કંપનીઓ અને કુશળ રોજગારની વિશાળ ઇકોસિસ્ટમને બળ પૂરું પાડશે.
સેમિકોન સિટી તરીકે સ્થાપિત થઈ રહેલા ધોલેરા ખાતે વ્યાપક સસ્ટેનેબલ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધોલેરાની કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કુલદીપ આર્યએ ધોલેરા SIR ના વિકાસ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. આ પ્રેઝન્ટેશનમાં ઔદ્યોગિક અને શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાજિક સુવિધાઓ, કનેક્ટિવિટી અને ધોલેરા SIR ના ભાવિ વિકાસ રોડમેપની પ્રગતિ આવરી લેવામાં આવી હતી.
ધોલેરાના કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે કાર્યરત થઈ ગયો છે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાજેતરમાં કેલિબ્રેશન ફ્લાઇટનું સફળ લેન્ડિંગ થયું છે તે વર્ષ 2026 ના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે, તે ધોલેરાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. રેલ કનેક્ટિવિટી માટે 23 કિમી લાંબી 'ભીમનાથ-ધોલેરા લોજિસ્ટિક હબ ન્યૂ લાઇન' વિકસાવવામાં આવી રહી છે. 
આ ઉપરાંત, ₹20,667 કરોડના અંદાજિત ખર્ચે 134 કિમી લાંબી 'અમદાવાદ-ધોલેરા સેમી હાઇ-સ્પીડ ડબલ લાઇન' પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે, તે અમદાવાદ, ધોલેરા SIR, એરપોર્ટ અને લોથલ વચ્ચે હાઇ-સ્પીડ યાતાયાત સુવિધા આપશે. ઔદ્યોગિક, સામાજિક અને કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સંકલિત વિકાસ સાથે ધોલેરા અદ્યતન ઉત્પાદન અને ઉભરતી ટેકનોલોજી માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કેન્દ્ર બની રહ્યું છે.
મુખ્યમંત્રીની આ પ્રોજેક્ટ સાઈટ વિઝિટમાં મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠોર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, વિજ્ઞાન અને ટેકનોલોજી સચિવ શ્રીમતી પી. ભારતી, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડાયરેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, રેન્જ આઇજી રાઘવેન્દ્ર વત્સ, જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ, ટાટા ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ અને એમડી ડૉ. રણધીર ઠાકુર વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:44 PM IST)