તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
દર મહિનાના પ્રથમ રવિવારે ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આહ્વાન
પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર-નગર અને તાલુકા સ્તરે ખૂલશે વેચાણ કેન્દ્રો: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

ગાંધીનગર : કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં 'સ્વચ્છતા' અને 'પ્રાકૃતિક કૃષિ' અભિયાનને વધુ વેગ આપવા પર વિશેષ ભાર મૂક્યો છે. રાજ્ય સરકાર આ બંને લોકાભિમુખ અભિયાનોને જન-જન સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે, તેમ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ બેઠકના નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્વચ્છતાની સંસ્કૃતિને વધુ સુદ્રઢ કરવા માટે એક નવતર આહ્વાન કર્યું છે. જે અંતર્ગત તેમણે દર મહિનાના પ્રથમ રવિવારે ઓછામાં ઓછો એક કલાક ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કરવાનું સૌને આહ્વાન કર્યું છે. મુખ્યમંત્રીએ આ શુભકાર્યમાં તમામ લોકપ્રતિનિધિઓ, સામાન્ય નાગરિકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને ઉત્સાહભેર જોડાવા ખાસ આગ્રહ કર્યો છે.
આ ઉપરાંત, તમામ સરકારી વિભાગો પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવશે, જેથી સરકારી કચેરીઓની સુંદરતા, સ્વચ્છતા અને કાર્યક્ષમતામાં ઉત્તરોત્તર વધારો થાય.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતીના સંકલ્પને સાકાર કરવા ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પોતે ગામડે ગામડે રાત્રી રોકાણ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને વૃક્ષારોપણ માટે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. બીજી તરફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેત પેદાશોના સુવ્યવસ્થિત વેચાણ માટે સંગીન વ્યવસ્થા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની પેદાશોનું યોગ્ય અને પૂરતું મૂલ્ય મળી રહે તે માટે મુખ્યમંત્રીએ વિશેષ સૂચનાઓ આપી છે. આ હેતુસર રાજ્યના તમામ મહાનગરો, નગરપાલિકાઓ અને તાલુકા કક્ષાએ 'પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રો' શરૂ કરવાની પ્રક્રિયા હાલ ગતિમાં છે.
મુખ્યમંત્રીએ આજે કેબિનેટ બેઠક દરમિયાન જ મુખ્ય સચિવને સૂચના આપી છે કે, તમામ જિલ્લા કલેક્ટરો અને મહાનગરપાલિકાના કમિશનરો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને આ વેચાણ કેન્દ્રો સત્વરે ઊભા કરવા માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરો.
રાજ્યના જનપ્રતિનિધિઓ પણ આ પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં સક્રિયપણે સહભાગી થઈને ધરતીપુત્રોને કેમિકલમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
