<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ભગવાન જગન્નાથની ૧૪૯મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા : ઝીરો રિસ્ક સાથે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક

૧૬ જુલાઈ અષાઢી બીજના દિવસે નીકળનારી ૧૬ કિલોમીટર લાંબી યાત્રામાં ૩૧ હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે : ૨૪૦થી વધુ ધાબા પોઈન્ટ, ૬૫ ડ્રોન અને ૨૮૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ રાખશે બાજ નજર

ગાંધીનગર: અમદાવાદ મહાનગરમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા આગામી અષાઢી બીજના એટલે કે ૧૬ જુલાઇના દિવસે ઉમંગ, ઉત્સાહ, શાંતિ અને સલામતિપૂર્વક પાર પાડવા માટે પ્રશાસન સજ્જ બન્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરવા માટે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ અમદાવાદની મુખ્ય યાત્રા ઉપરાંત મહાનગરમાં નીકળતી અન્ય ૬ મિની રથયાત્રાઓ સહિત સમગ્ર રાજ્યભરમાં વિવિધ સ્થળોએ યોજાતી કુલ ૨૩૦ જેટલી રથયાત્રાઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્રને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. લોકો કોઈ પણ ભય વગર ઉલ્લાસભેર પ્રભુના દર્શન કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા આદેશો અપાયા છે. આ સાથે જ રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો ભીડ ન કરે તે માટે મ્યુનિસિપલ કમિશનરને ચુસ્ત વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.

 

 ૩૧ હજારથી વધુ પોલીસકર્મીઓ અને હાઈટેક ટેકનોલોજીથી રથયાત્રા પર રખાશે નિગરાની:

અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે બેઠકમાં એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરીને જણાવ્યું હતું કે, શહેર પોલીસ તંત્ર ‘ઝીરો રિસ્ક’ અને સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. ૧૬ કિલોમીટર લાંબી આ ભવ્ય રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં ૩૧ હજારથી વધુ પોલીસકર્મીઓ દિવસ-રાત ફરજ બજાવશે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર રૂટ પર ૨૪૦થી વધુ ધાબા પોઈન્ટ એક્ટિવ કરવામાં આવ્યા છે, જ્યારે ૬૫ આધુનિક ડ્રોન અને ૨૮૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાના માધ્યમથી પળેપળની હિલચાલ પર કડક નિગરાની રાખવામાં આવશે. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના ૧cell૫ મેડિકલ ઓફિસર, ૧૦૦ આરોગ્ય કર્મીઓ, ૩૧ ફાયર વ્હીકલ અને ૨૩૭ ફાયર જવાનો પણ રૂટ પર તૈનાત રાખવામાં આવશે.

 

 ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા અને ૧૮ ભજન મંડળીઓ જોડાશે, કોમી એકતા માટે વિશેષ આયોજન:

આ વર્ષની રથયાત્રામાં ૧૦૧ ટ્રકો, ૩૦ પરંપરાગત અખાડા અને ૧૮ ભજન મંડળીઓ જોડાઈને સમગ્ર માર્ગ પર ભક્તિસભર માહોલ ઊભો કરશે. રથયાત્રા શાંતિ અને અરસપરસના સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અગાઉથી જ વ્યાપક મિટિંગોનો દોર ચલાવવામાં આવ્યો હતો. જેમાં શાંતિ સમિતિની ૬૯ બેઠકો, મહોલ્લા સમિતિની ૭૯ બેઠકો તથા વિવિધ ધાર્મિક સંપ્રદાયના આગેવાનો સાથે ૧૭૮ જેટલી બેઠકો યોજીને ચર્ચાઓ કરવામાં આવી છે. શહેરમાં કોમી એકતા અને ભાઈચારો વધુ સુદ્રઢ બને તે માટે બ્લડ ડોનેશન કેમ્પ, રાત્રિ ક્રિકેટ અને વોલીબોલ મેચ, લોકડાયરા તેમજ 'ઝેન-ઝી' (યુવા પેઢી) સાથે વિશેષ સંવાદના કાર્યક્રમોનું સુંદર આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોવાની વિગતો પોલીસ કમિશનરે આપી હતી.

 

 ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના ટોચના વહીવટી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિ:

ગાંધીનગર ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક જી.એસ.મલિક, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે હાજર રહ્યા હતા. આ ઉપરાંત સચિવ ડૉ. અજય કુમાર તથા ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ સહિતના ઉચ્ચ પ્રશાસનિક અને પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાઈને સુરક્ષા વ્યવસ્થાની આખરી રૂપરેખાને મંજૂરી આપી હતી.

(8:17 PM IST)