તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 18th November 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદિજાતિ વિસ્તારમાં રાત્રિ રોકાણ કરી તડવી પરિવાર સાથે જમીન પર બેસી ખાખરાના પાનના પડિયા-પતરાળીમાં આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો
ગરબાડાના ત્રિદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રિએ ધાનપુરના ભિંડોલ ગામમાં ખાટલા બેઠક યોજી ગ્રામીણ નાગરિકો, મહિલાઓ અને વડીલો સાથે સહજ સંવાદ કર્યો : આદિવાસી ભજન મંડળીના ભજન-કીર્તનનો પણ લ્હાવો લીધો

દાહોદ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સહજ, સરળ અને સંવેદનશીલ જનનેતા તરીકેના વ્યક્તિત્વનો વધુ એક વખત પરિચય કરાવ્યો છે. આદિજાતિ વિસ્તાર ગરબાડાના પોતાના ત્રિદિવસીય પ્રવાસની પ્રથમ રાત્રિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ધાનપુર તાલુકાના ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ગામના એક આદિજાતિ તડવી પરિવારના નિવાસસ્થાને જમીન પર બેસીને પરિવારજનો સાથે ખાખરાના પાનમાંથી બનાવેલા પરંપરાગત પડિયા-પતરાળીમાં શુદ્ધ આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો.
ખાટલા બેઠક યોજી ગ્રામીણ જનજીવન અને રજૂઆતો જાણી:
ભિંડોલ ગામમાં રાત્રિ રોકાણ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામજનો સાથે આત્મીયતાપૂર્વક 'ખાટલા બેઠક' યોજી હતી. આ બેઠકમાં તેમણે ગ્રામીણ નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતો ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી. ખાસ કરીને ગામની મહિલાઓ અને વડીલો સાથે સહજ સંવાદ કરીને તેમણે આદિવાસી સમાજના ગ્રામીણ જનજીવન, રીતરિવાજો અને સ્થાનિક પરિસ્થિતિ અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી.
આદિવાસી ભજન મંડળીના કીર્તન શ્રવણનો લ્હાવો:
પોતાના આદિજાતિ પ્રવાસની પ્રથમ રાત્રિને યાદગાર બનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સ્થાનિક આદિવાસી ભજન મંડળી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા ભજન અને કીર્તન શ્રવણનો પણ ઉત્સાહભેર લ્હાવો લીધો હતો. ગ્રામજનોની વચ્ચે રહીને તેમની સાથે ભળી જવાની મુખ્યમંત્રીની આ આગવી કાર્યશૈલીથી સમગ્ર ભિંડોલ ગામ અને આસપાસના આદિજાતિ વિસ્તારના નાગરિકોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
(9:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
