<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છમા : માતાના મઢના દર્શન કરી ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ

દયાપર અને ગાંધીધામ ખાતે બે જાહેરસભાઓ સંબોધશે : આંબેડકર ભવન ખાતે ભવ્ય બાઈક રેલી સાથે સ્વાગત : જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે કહ્યું કચ્છમાં ભવ્ય વિજય નિશ્ચિત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૬ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સૌ પ્રથમ માતાનામઢ ખાતે દેશદેવી મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આરંભ કરશે.

 

મુખ્યમંત્રી કચ્છની ધરતી પર સવારે દયાપર અને ત્યાર બાદ ગાંધીધામ ખાતે એમ બે જાહેર સભાઓનું સંબોધન કરશે. માતાના મઢ ખાતે સવારે દર્શન કર્યા બાદ દયાપર ખાતે આયોજીત વિશાળ જનસભાને તેઓ સંબોધિત કરશે. ત્યારબાદ સીધા ગાંધીધામ ખાતે પહોંચશે જ્યાં તેમના સ્વાગત માટે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીધામ સ્થિત આંબેડકર ભવન ખાતે તેઓ અન્ય એક જાહેરસભાને સંબોધન કરશે.

 

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કચ્છ આવ્યા છે ત્યારે કચ્છ જિલ્લા ભાજપની ટીમના તમામ કાર્યકર્તાઓમાં ભારે જોશ અને ઉત્સાહની લાગણી ફેલાઈ છે. આવો જ જોશ અને ઉત્સાહ મતદાનના દિવસ સુધી જળવાઈ રહેશે અને ભારતીય જનતા પાર્ટી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરશે એમાં શંકાને ક્યાંય સ્થાન નથી.

 

ચૂંટણીના માહોલમાં મુખ્યમંત્રીના કચ્છ આગમનને લઈને જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો, તમામ મંડળોના પ્રમુખ-મહામંત્રીઓ, તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ તેમજ સર્વે ઉમેદવારો સહિત કાર્યકરો હરખભેર તૈયારીઓમાં જોડાઈ ગયા છે.

(9:25 AM IST)