<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026’ની મુલાકાત લીધી

નવીન સ્ટેનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સ અને હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રની આધુનિક ટેકનોલોજીનું નિરીક્ષણ; દેશભરના 100થી વધુ ઉત્પાદકો જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026’ની મુલાકાત લઈને વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દેશભરમાંથી આવેલા પ્રદર્શકો, ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકો સાથે મુલાકાત કરી તેમના ઉત્પાદનો અને નવીન ટેકનોલોજી અંગે માહિતી મેળવી હતી.

 

કિચનવેર, ક્રોકરી અને હોમ એપ્લાયન્સિસ ઉદ્યોગને સમર્પિત આ B2B ટ્રેડ એક્ઝિબિશનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 100થી વધુ અગ્રણી ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે. મુખ્યમંત્રીએ સ્ટેનલેસ સ્ટીલની નવીન પ્રોડક્ટ્સ તથા હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રે થઈ રહેલા આધુનિક સંશોધનોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વૈશ્વિક પ્રવાહોની જાણકારી મેળવી હતી.

 

પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને વધુ મજબૂત, સ્માર્ટ અને આત્મનિર્ભર બનાવી વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. આ માટે ઇનોવેશન, ગ્રીન સ્ટીલ ટેકનોલોજી, MSMEને પ્રોત્સાહન, નિકાસમાં વધારો અને રોજગાર સર્જન જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

 

20 જુલાઈ સુધી ચાલનારા ચાર દિવસીય આ પ્રદર્શનમાં દેશ-વિદેશની 500થી વધુ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. જેના કારણે ટ્રેડ વિઝિટર્સ માટે બલ્ક ઓર્ડર, નવા વ્યવસાયિક સંપર્કો અને વેપારની નવી તકો ઊભી થઈ રહી છે. આ પ્રસંગે યોગેશભાઈ અગ્રવાલ, જયંતીભાઈ સરધારા, અશોક ભણસાલી, પ્રકાશ સંઘવી, નરેન્દ્ર દિવાકર, દિનેશ સેન, દિવ્યાંશ અગ્રવાલ સહિત સ્ટીલ ઉદ્યોગના પ્રતિનિધિઓ અને રિટેલર્સ ઉપસ્થિત રહ્યા હતા.

(4:40 PM IST)