તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના પ્રારંભે રાજ્યના નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી
મુખ્યમંત્રીએ નૂતન વર્ષે અમદાવાદનાં નગરદેવી મા ભદ્રકાળીનાં દર્શન-પૂજન કરી રાજ્યના વિકાસ અને નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી:અમદાવાદના નાગરિકો તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો સાથે નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના પ્રારંભે અમદાવાદ ખાતે નગરદેવી મા ભદ્રકાળીનાં દર્શન-પૂજન કરી રાજ્યના નાગરિકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી, નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેમજ સમગ્ર ગુજરાત પ્રગતિનાં નવાં શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ સાથે તેમણે ‘વિકસિત ભારત’ અને ‘નશામુક્ત ભારત’ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત’ અને ‘નશામુક્ત ગુજરાત’ના અભિયાનમાં સહભાગી બનવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો.
ત્યારબાદ મુખ્યમંત્રીએ શાહીબાગ સ્થિત એનેક્સી સર્કિટ હાઉસ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ તેમજ સામાન્ય નાગરિકો સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશભાઈ મકવાણા તેમજ હસમુખભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ બારોટ, સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ મુખ્યમંત્રીએ નૂતન વર્ષ નિમિત્તે શાહીબાગ ડફનાળા સ્થિત પોલીસ ઓફિસર્સ મેસ ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસવડા જી.એસ. મલિક, ડીજી (જેલ) ડૉ. કે.એલ.એન. રાવ, પોલીસ મહાનિદેશક શ્રીમતી ડૉ. નીરજા ગોટરુ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
