<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

નવસારીના આછવણી ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હ્ર્દય દ્રવી ઉઠ્યું :પિતા વગરની માસૂમ દીકરીના વાલી બની ભણતરની જવાબદારી સ્વીકારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રોટોકોલ તોડી પિતા વગરની માસૂમ દીકરી જ્યોતિ ચૌધરી સાથે સંવાદ કર્યો:બાળકી શાળાએ ન જતી હોવાની જાણી મુખ્યમંત્રીએ વાલી તરીકેની ફરજ નિભાવી:કલેક્ટર મનીષ ગુરુવાણીને તાત્કાલિક બોલાવી દીકરીનું શાળામાં એડમિશન કરાવી ભણતર શરૂ કરાવવા આદેશ આપ્યા

નવસારી જિલ્લાના આછવણી ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સહજ અને સંવેદનશીલ છબીને ફરી એકવાર ઉજાગર કરી છે. સરકારી કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ અચાનક જ પોતાના સત્તાવાર પ્રોટોકોલ બાજુ પર મૂકી દીધો હતો. તેમણે કેમ્પસમાં ઉભેલી એક નાની અને માસૂમ દીકરી જ્યોતિ ચૌધરીને જોઈને તેની પાસે ગયા હતા અને ખૂબ જ વહાલપૂર્વક તેની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. 

આ આત્મીય વાતચીત દરમિયાન મુખ્યમંત્રીને જાણવા મળ્યું કે નાની જ્યોતિના પિતા છત્રછાયા ગુમાવી ચૂક્યા છે. પિતા વગરની આ દીકરી ઘરની નબળી અને વિપરીત પરિસ્થિતિઓના કારણે શાળાએ જઈ શકતી ન હતી અને તેનું ભણતર અધવચ્ચે જ અટકી ગયું હતું. આ માસૂમ બાળકીની આકરી પરિસ્થિતિ અને લાચારી વિશે જાણીને મુખ્યમંત્રીનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સ્થળ પર જ એક સક્ષમ વાલી તરીકેની ફરજ નિભાવવાનું નક્કી કર્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહીવટી પ્રોટોકોલ તોડીને નવસારીના જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણીને તાત્કાલિક પોતાની પાસે બોલાવ્યા હતા. તેમણે કલેક્ટરને સ્થળ પર જ સ્પષ્ટ અને કડક આદેશ આપ્યા હતા કે આ દીકરીનું ભણતર કોઈ પણ સંજોગોમાં અટકવું ન જોઈએ. જ્યોતિનું નજીકની શાળામાં તાત્કાલિક ધોરણે એડમિશન કરાવવામાં આવે અને તેના ભણતરની તમામ જરૂરી વ્યવસ્થાઓ સત્વરે શરૂ કરાવવામાં આવે તેવી સત્તાવાર સૂચના આપવામાં આવી છે. 

મુખ્યમંત્રીના આ સંવેદનશીલ અભિગમ અને સ્પષ્ટ આદેશ બાદ સમગ્ર નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. દીકરી જ્યોતિ ચૌધરીને ફરીથી કલમ અને પુસ્તકો મળે તેમજ તેનું ભવિષ્ય સુરક્ષિત થાય તે માટેની કાનૂની અને શૈક્ષણિક પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયની સ્થાનિકો અને સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે.

(12:23 AM IST)