<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો રાજ્યમાં માર્ગ-મકાન વિભાગના કામોને ગતિ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય : ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે સમયમર્યાદા નિર્ધારિત કરાઈ

ટેન્ડર મંજૂરી પ્રક્રિયા મહત્તમ ૫૧ થી ૬૬ દિવસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીના આદેશો : ટેન્ડર વેલિડિટીનો ગાળો ૧૨૦ દિવસથી ઘટાડીને ૯૦ દિવસ કરાયો : વાટાઘાટો ટાળવા સ્પષ્ટ સૂચના

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : રાજ્યમાં રસ્તા, પુલ અને સરકારી મકાનો સહિતના પાયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા વધુ ત્વરિત, પારદર્શક અને ઝડપી બને તે હેતુથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગના કામો માટે ટેન્ડર મંજૂરીની વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદા નક્કી કરતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા માટે સામાન્ય રીતે ૧૨૦ દિવસનો સમયગાળો ધ્યાને લેવાતો હતો, જેમાં કડક સમયમર્યાદા લાગુ કરીને વહીવટી વિલંબ અટકાવવાનો માર્ગ પ્રશસ્ત કરાયો છે.

ટેન્ડર મંજૂરી માટે નવી સમયમર્યાદા:
મુખ્યમંત્રી દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર:
 * માત્ર ફાઇનાન્શિયલ બીડ ધરાવતા કામો: જે કામોમાં પૂર્વ પાત્રતાની જોગવાઈ નથી તેવા ટેન્ડરો માટે ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ ૫૧ દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.
 * ટેકનિકલ અને ફાઇનાન્શિયલ બીડ ધરાવતા કામો: જે કામોમાં ઇજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ હોય તેવા ટેન્ડરો માટે તમામ સ્તરે ચકાસણી સાથેની સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ ૬૬ દિવસમાં પૂરી કરવાની રહેશે.
 * ટેન્ડર વેલિડિટીમાં ઘટાડો: ટેન્ડરની માન્યતા (Tender Validity)નો પ્રવર્તમાન ૧૨૦ દિવસનો સમયગાળો ઘટાડીને ૯૦ દિવસ કરવામાં આવ્યો છે.

વાટાઘાટો અને વિલંબ અંગે કડક નિયમો:
નિયમોનુસાર બહોળી પ્રસિદ્ધિ આપી એકથી વધુ ટેન્ડર મળ્યા હોય તેવા કિસ્સામાં અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટો (Negotiation) કરવાનું ટાળવાનું રહેશે. જો વાટાઘાટો અનિવાર્ય બને તો તે એક જ સ્તરે એટલે કે સક્ષમ સત્તાધિકારી કક્ષાએ જ પૂર્ણ કરવાની રહેશે; એકથી વધુ સ્તરે વાટાઘાટો કરી શકાશે નહીં.

આ ઉપરાંત, જો નિર્ધારિત સમયમર્યાદામાં દરખાસ્તનો નિકાલ નહીં થાય તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લઈને જે-તે અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. અધૂરી દરખાસ્તોને કારણે થયેલા વિલંબની સંપૂર્ણ જવાબદારી રજૂ કરનાર કક્ષાની રહેશે તેમ પણ નિયત કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી વિકાસકામો નિયત સમયમાં શરૂ થઈ શકશે અને પ્રજાજનોની ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થશે.

(5:31 PM IST)