તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
અમદાવાદના સિંધુભવન રોડ ખાતે ૮૯મી કાલીબાડી દુર્ગાપૂજા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : મા દુર્ગાની આરતી ઉતારી રાજ્યની સુખ-શાંતિ માટે કરી પ્રાર્થના
બેંગોલ કલ્ચરલ એસોસિએશન દ્વારા આયોજિત મહોત્સવમાં બંગાળી સમાજના નાગરિકોનું અભિવાદન ઝીલ્યું : અગ્રણીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભક્તિસભર માહોલ

અમદાવાદ : અમદાવાદ શહેરના જાણીતા સિંધુભવન રોડ ખાતે બેંગોલ કલ્ચરલ એસોસિએશન દ્વારા ભવ્યતાપૂર્વક આયોજિત ૮૯મા કાલીબાડી દુર્ગાપૂજા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર અવસરે મુખ્યમંત્રીશ્રીએ જગતજનની મા દુર્ગાની પૂજા-અર્ચના કરી હતી અને વિધિવત આરતી ઉતારીને સમસ્ત ગુજરાતવાસીઓના ઉત્તરોત્તર સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
દુર્ગાપૂજા મહોત્સવના આ ભવ્ય આયોજનમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીશ્રીએ ઉત્સવમાં સહભાગી થયેલા બંગાળી સમાજના ભાઈ-બહેનો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું તથા તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે બેંગોલ કલ્ચરલ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સોમેન મુખરજી, સેક્રેટરી અનલ મુખરજી, વાઇસ ચેરમેન ઇન્દ્રજીત મિત્રા તેમજ જોઇન્ટ સેક્રેટરી આનંદ સરકાર સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ આસ્થાભર્યા પર્વમાં મુખ્યમંત્રીશ્રી સાથે આ તમામ અગ્રણીઓએ પણ આરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. આ વિશેષ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં બંગાળી સમાજના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને મહોત્સવમાં જોડાયા હતા.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
