News of Thursday, 24th September 2026
મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ બન્યો ગ્રામીણ ખેડૂતો અને સામાન્ય માનવીની સમસ્યાના ત્વરિત નિવારણનું માધ્યમ
સપ્ટેમ્બર-26ના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર, મહેસાણા, જુનાગઢ, મોરબી અને રાજકોટના સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી નિરાકરણ લાવ્યા:સેવા સંકલ્પ અભિયાનને સપ્ટેમ્બર-2026ના રાજ્ય સ્વાગતમાં મળેલી નાગરિકોની રજૂઆતોના ત્વરિત નિવારણથી મુખ્યમંત્રીશ્રીએ વધુ ગતિ આપી

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સામાન્ય નાગરિકોની રજૂઆત અને સમસ્યાઓના ત્વરિત નિવારણ માટે ટેક્નોલોજીયુક્ત અભિગમ સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રિવન્સીસ થ્રુ એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી-સ્વાગત લોકોની રજૂઆતોના ફળદાયી નિવારણનું સક્ષમ માધ્યમ બન્યો છે.
નરેન્દ્રભાઈ મોદીની જન સેવા સાધના અને રાષ્ટ્રહિત માટેના સમર્પણના 25 વર્ષ પુર્ણ થવા અવસરે રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સેવા સંકલ્પ અભિયાનને સપ્ટેમ્બર-2026ના રાજ્ય સ્વાગતમાં મળેલી નાગરિકોની રજૂઆતોના ત્વરિત નિવારણથી વધુ ગતિ આપી છે.
દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતની સપ્ટેમ્બર મહિનાની કડીમાં ૨૦૦ કરતાં પણ વધુ અરજદારો મુખ્યમંત્રીના કાર્યાલયમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગતમાં કુલ ૨,૨૭૭ અને તાલુકા સ્વાગતમાં કુલ ૨,૭૮૦ એમ કુલ ૫૦૫૭ કરતા વધુ અરજદારોની અરજીઓ પરત્વે યોગ્ય જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ભાવનગર, મહેસાણા, જુનાગઢ, મોરબી અને રાજકોટના જે સામાન્ય નાગરિકો પોતાની રજૂઆત સાથે ઉપસ્થિત થયા હતા તેમને શાંતિપુર્વક સાંભળીને મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગો અને જિલ્લા વહિવટી તંત્રને રજૂઆતોના નિવારણ માટે સુચનો કર્યા હતા.
ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના થળસર ગામે ભૂગર્ભ ગટર લાઈનના પ્રશ્નને મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવા તેમજ સ્થળ ચકાસણી કરી ફિઝિબિલીટીના આધારે ગટરલાઇન નાખવા મુખ્યમંત્રીએ સ્થાનિક વહીવટી તંત્રને જણાવ્યું હતું.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષિત પાણીના નિકાલ અંગે ગંભીર નોંધ લઇ મુખ્યમંત્રીએ વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવને આવા ઔદ્યોગિક એકમો વિરુદ્ધ કડક પગલા લેવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં લાબરકુવા-મેણેજ ગામના રસ્તાનું કામ સ્થાનિક કક્ષાએ વિરોધના કારણે લાંબા સમયથી પડતર હોવાની થયેલી રજૂઆત અંગે તેમણે જિલ્લા કલેક્ટરને દિવાળી પહેલા રસ્તાની કામગીરી પુરી થાય તે જોવા તાકિદ કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના વિસ્તારમાં ભંગારનો ધંધો કરનાર વ્યક્તિ દ્વારા નાગરિકોને ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેવી પ્રવૃત્તિ અંગે જે રજૂઆત મળી હતી તેમાં મુખ્યમંત્રીએ મ્યુનિસિપલ કમિશનરને સત્વરે કાર્યવાહી કરવા તેમજ જરૂર જણાયે જગ્યા સીલ કરવાની સુચના સાથે અઠવાડીયામાં રજૂઆતનો નિકાલ કરવા નિર્દેશ આપ્યા હતા.
આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ખેડૂતના ખેતરમાં એસ.ટી.પી.ના ગંદા પાણીના નિકાલ અંગેની રજૂઆતના સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૨૦ દિવસમાં ૯૦૦ મી. પાઇપલાઇન નાખી રજૂઆતનું નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું હતું.
બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી સંદર્ભમાં ઉદ્યોગને છેલ્લા ત્રણ વર્ષથી જે બાંધકામ પરમિશન મળતી ન હતી તેનું જરૂરી નિરાકરણ 1 માસમાં જ લાવવા મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ અગ્ર સચિવ અને ચીફ ટાઉન પ્લાનરને સુચના આપી હતી.
મુખ્યમંત્રી સપ્ટેમ્બર -2026ના આ રાજ્ય સ્વાગતમાં ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણીના નિકાલ, સાફ-સફાઇ, દબાણ તેમજ શહેરી વિકાસ સત્તા મંડળને સ્પર્શતી રજૂઆતો માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપીને નાગરિકોની રજૂઆતોનો સમગ્રતયા હકારાત્મક અભિગમથી ઉકેલ લાવ્યા હતાં.
મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ, રાકેશ વ્યાસ અને સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યાં હતા
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
