તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
જૂન-2026નો મુખ્યમંત્રી રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ 22 જૂન સોમવારે યોજાશે : શાળા પ્રવેશોત્સવના કારણે તારીખમાં ફેરફાર
પ્રજાજનોની ફરિયાદોનું ઓનલાઈન નિવારણ સવારે 8 થી 11 દરમિયાન ગાંધીનગર ખાતે : બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂબરૂ રજૂઆતો સાંભળશે

ગાંધીનગર તા.૧૯ : રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ અને રજૂઆતોના ઓનલાઈન નિવારણ માટે દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ જૂન-2026માં તારીખમાં ફેરફાર સાથે યોજાશે. તા. 23 થી 25 જૂન દરમિયાન રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર હોવાથી જૂન માસનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવારને બદલે તા. 22 જૂન, સોમવારના રોજ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના જનસંપર્ક એકમ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, જૂન-2026નો રાજ્ય સ્વાગત કાર્યક્રમ તા. 22/06/2026 સોમવારે યોજાશે. આ કાર્યક્રમમાં રજૂઆત કર્તાઓ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહીને પોતાની રજૂઆતો રજૂ કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે તા. 22 જૂનના રોજ બપોર બાદ આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેશે. તેઓ નાગરિકોની રજૂઆતો સીધી સાંભળશે અને આવી રજૂઆતોના નિવારણ-ઉકેલ માટે સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન આપશે. શાળા પ્રવેશોત્સવના કારણે તારીખ બદલવામાં આવી હોવાથી રજૂઆત કર્તાઓને સમયસર ગાંધીનગર પહોંચી રજૂઆત કરવા અપીલ કરવામાં આવી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
