<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

વર્ષ ૨૦૨૭ની વસ્તી ગણતરીના દ્વિતીય તબક્કાની તૈયારીઓ અંગે મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં SLCCC ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ સુજલ જે. મયાત્રાએ ડીજિટલ ઈનોવેશન્સ અને કેલેન્ડર અંગે આપ્યું પ્રેઝન્ટેશન : મુખ્ય સચિવે તમામ વિભાગોને નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા કર્યા આદેશ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાતમાં વર્ષ ૨૦૨૭ની વસ્તી ગણતરીના દ્વિતીય તબક્કા (પોપ્યુલેશન એન્યુમરેશન) ની પૂર્વ તૈયારીઓ અને ઓપરેશનલ ફ્રેમવર્કની સમીક્ષા કરવા માટે સ્ટેટ-લેવલ સેન્સસ કોઓર્ડિનેશન કમિટી (SLCCC) ની એક અગત્યની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષસ્થાને આ ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં કમિટીના કન્વીનર અને ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ સુજલ જે. મયાત્રાએ વિસ્તૃત પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે વસ્તી ગણતરીના બીજા તબક્કાની સમગ્ર કામગીરી, મુખ્ય પાસાઓ, સંભવિત પ્રવૃત્તિ કેલેન્ડર તેમજ આ વખતની વસ્તી ગણતરી પ્રક્રિયામાં સામેલ કરવામાં આવેલા ડિજિટલ ફીચર્સ અને વિવિધ નવીનતાઓ (ઈનોવેશન્સ) વિશે વિગતવાર માહિતી આપી હતી.

કમિટીને સંબોધિત કરતા મુખ્ય સચિવ એમ. કે. દાસે સંબંધિત તમામ રાજ્ય સરકારના વિભાગો અને એજન્સીઓને પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન જાળવવા અને સમયમર્યાદાનું ચુસ્તપૂર્વક પાલન કરવા આદેશ આપ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે સમગ્ર રાજ્યમાં વર્ષ ૨૦૨૭ની વસ્તી ગણતરીના બીજા તબક્કા સાથે જોડાયેલા તમામ લક્ષ્યાંકો અને કામગીરી નક્કી કરેલી સમયસીમામાં જ અત્યંત સરળ અને અસરકારક રીતે પૂર્ણ થવી જોઈએ.

(3:03 PM IST)