<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

નાસિરનગરના વિવાદિત ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું: SMC અને CPને જવાબદાર ગણ્યા

જો SMCએ ડિમોલિશન નથી કર્યું, તો ઘટનાસ્થળે મહાનગરપાલિકાના 7 અધિકારીઓ અને કર્મચારીઓ શું કરતા હતા? સુરત પોલીસ કમિશનરને જ્યારે ફરિયાદ આપવામાં આવી, તો તેમણે ફરિયાદ કેમ ન લીધી? ડિમોલિશન સ્થળે ચોકબજાર પોલીસ અને SOGના 20થી 25 જવાનો શા માટે તૈનાત હતા?

સુરતના નાસીરનગરમાં 30 મેના રોજ થયેલા વિવાદિત ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના 150થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાતા 26 પીડિત પરિવારોએ ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ મામલાને અત્યંત ગંભીર ગણાવી હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ કમિશનર અને SOGના DCP રાજદિપસિંહ નકુમને જવાબદાર ઠેરવ્યા છે.

 

અરજદારોના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, 30 મેના રોજ કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના, કાનૂની નોટિસ કે પંચનામા વગર જ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે આ સમગ્ર કાર્યવાહી એક ખાનગી બિલ્ડર અને શ્રી રામ એજન્સીના ઈશારે, એક આર્કિટેક્ટની હાજરીમાં કરવામાં આવી હતી.

સમગ્ર ડિમોલિશન કાર્યવાહી પહેલા આ વિસ્તારના લોકોને પોતાનો સામાન બહાર કાઢવાનો પણ સમય નહોતો આપ્યો તેવા પણ આક્ષેપ છે. જેના કારણે નિર્દોષ બાળકોના પુસ્તકો અને ઘરવખરી કાટમાળમાં દબાઈને નાશ પામી હતી. આ વિસ્તાર 1969થી વસેલો છે અને લોકો અહીં પેઢીઓથી રહે છે.

 

આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્રની કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કરતા અનેક વેધક સવાલ પૂછ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ પૂછ્યું કે,

  • જો SMCએ ડિમોલિશન નથી કર્યું, તો ઘટનાસ્થળે મહાનગરપાલિકાના 7 અધિકારીઓ અને કર્મચારીઓ શું કરતા હતા? 
  • શું મનપાના અધિકારી-કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે?
  • સુરત પોલીસ કમિશનરને જ્યારે ફરિયાદ આપવામાં આવી, તો તેમણે ફરિયાદ કેમ ન લીધી?
  • ડિમોલિશન સ્થળે ચોકબજાર પોલીસ અને SOGના 20થી 25 જવાનો શા માટે તૈનાત હતા? 
  • ડિમોલિશન સ્થળે કયા કયા પોલીસ અધિકારીઓ હાજર હતા?
  • ટોરેન્ટ પાવરે કોના આદેશથી ડિમોલિશન પહેલાં લોકોના વીજ કનેક્શન કાપી નાખ્યા?

 

હાઈકોર્ટે પીડિતોને કોર્ટમાં આવવામાં થયેલા વિલંબ અંગે સવાલ કર્યો, ત્યારે અરજદારોએ તંત્રની ઉદાસીનતાની પોલ ખોલી હતી. શરૂઆતમાં સુરત મહાનગરપાલિકાએ કાર્યવાહીમાંથી હાથ અધ્ધર કરી લીધા અને પોલીસે પણ ગુનો નોંધવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ છે. 1 જૂને મ્યુનિ. કમિશનરે સત્તાવાર આદેશ ન આપ્યાનો દાવો કર્યો, પરંતુ 21 જૂને તેમણે સ્વીકાર્યું હતું કે કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં હાજર હતા.

ગુજરાત હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને આદેશ આપ્યો છે કે તેઓ સ્પષ્ટ ખુલાસો કરે કે ડિમોલિશન પાલિકાએ કર્યું છે કે કોઈ અન્ય તત્વોએ. આ ઉપરાંત, જો SOG DCP રાજદિપસિંહ નકુમ ઘટનાસ્થળે અનઓફિશિયલ (બિનસત્તાવાર) રીતે હાજર રહ્યા હોય તો તેમણે આગામી મુદતે કોર્ટમાં રૂબરૂ હાજર થવું પડશે તેવી ટકોર પણ કરાઈ છે.

(12:14 PM IST)