News of Monday, 29th June 2026
નર્મદા જિલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 દ્વારા બાળ સુરક્ષા, અધિકારો અને કાયદાકીય જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો
બાળકોના અધિકારોના રક્ષણ અને સુરક્ષિત બાળપણ માટે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ની સંવેદનશીલ કામગીરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં બાળકોના હિતોનું રક્ષણ, સુરક્ષિત અને સકારાત્મક બાળપણનું નિર્માણ તેમજ બાળ અધિકારો અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ની ટીમ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓ અને સમુદાય વિસ્તારોમાં બાળ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકો, વાલીઓ તેમજ સ્થાનિક નાગરિકોને બાળ સુરક્ષા સંબંધિત કાયદાઓ, બાળકોના મૂળભૂત અધિકારો તથા મુશ્કેલીના સમયે ઉપલબ્ધ સહાય સેવાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 એ 0 થી 18 વર્ષ સુધીના બાળકો માટે કાર્યરત 24×7 ટોલ ફ્રી ઇમરજન્સી સેવા છે. આ સેવા મુશ્કેલીમાં મુકાયેલા, સંરક્ષણ અને સંભાળની જરૂરિયાત ધરાવતા બાળકોને તાત્કાલિક સહાય, કાઉન્સેલિંગ, સુરક્ષા તેમજ સંબંધિત સેવાઓ સાથે જોડાણ પૂરું પાડે છે.
જાગૃતિ કાર્યક્રમ દરમિયાન બાળકોને પોક્સો અધિનિયમ-2012 હેઠળ બાળકોને જાતીય ગુનાઓથી મળતા કાયદાકીય રક્ષણ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાળ મજૂરી (પ્રતિબંધ અને નિયમન) કાયદો, બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ-2006, તેમજ બાળકો સામે થતા શોષણ, હિંસા અને દુર્વ્યવહાર સામેના કાયદાકીય રક્ષણ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
ટીમ દ્વારા બાળકોને ગુડ ટચ–બેડ ટચ, વ્યક્તિગત સુરક્ષા, અજાણ્યા વ્યક્તિઓથી સાવચેત રહેવાની રીતો તેમજ કોઈપણ પ્રકારની અસુરક્ષિત પરિસ્થિતિ સર્જાય ત્યારે વિશ્વાસપાત્ર વ્યક્તિ અથવા ચાઇલ્ડ હેલ્પલાઇન 1098નો તાત્કાલિક સંપર્ક કરવાની સમજ આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી પાલક માતા-પિતા યોજના, સ્પોન્સરશિપ યોજના તથા અન્ય બાળ સંરક્ષણ સેવાઓ અંગે પણ બાળકો અને વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ચાઇલ્ડ હેલ્પલાઇન 1098ની ટીમ દ્વારા નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત જાગૃતિ કાર્યક્રમો યોજીને બાળ અધિકારોનું રક્ષણ, બાળકો સામે થતા શોષણનું નિવારણ તથા જરૂરિયાતમંદ બાળકો સુધી સમયસર સહાય પહોંચાડવા માટે સતત સંવેદનશીલ કામગીરી કરવામાં આવી રહી છે.
"સુરક્ષિત બાળપણ – ઉજ્જવળ ભવિષ્ય"ના સંદેશા સાથે ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 બાળકોના હિત, સુરક્ષા અને અધિકારોના રક્ષણ માટે સતત કાર્યરત રહી સમાજમાં બાળ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
