તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
બાળકો પ્રમોટ થાય છે, પણ લર્નિંગ ગેપ દૂર કરવો મોટો પડકાર
નો-ડિટેન્શન પોલિસીઃ નાપાસ થવાનો ડર ગયો, પણ ભણવાની ગંભીરતા ઘટી? : MSશ્ની સોશિયલ વર્ક ફેકલ્ટીના વિધાર્થીનું રિસર્ચ, મોટાભાગના આચાર્યો પોલિસીથી નાખુશ

વડોદરા તા.૨૨: વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને લગતા એક અભ્યાસમાં ૮૬% આચાર્યોનું માનવું છે કે, નો-ડિટેન્શન પોલિસીના કારણે બાળકોમાં શિક્ષણ પ્રત્યેની ગંભીરતા ઘટી રહી છે. અલબત્ત, આ સાથે એ પણ મહત્વનું છે કે બાળકને નાપાસ ન કરવું માત્ર પૂરતું નથી; તેની શૈક્ષણિક ક્ષમતાનું સતત મૂલ્યાંકન અને લર્નિગ ગેપ દૂર કરવાની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. એમ.એસ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના માસ્ટર્સના વિદ્યાર્થી પિયુષ બાબરિયાએ ફેકલ્ટીના અધ્યાપક ડો. શર્મિષ્ઠા સોલંકીના માર્ગદર્શન હેઠળ કરેલા અભ્યાસમાં શિક્ષણ સમિતિની ૧૨૧ શાળાઓના આચાર્યો કે હેડ શિક્ષકોના અભિપ્રાયો મેળવ્યાં હતા.
અભ્યાસમાં ૮૬% આચાર્યોએ નો-ડિટેન્શન પોલિસીથી શિક્ષણની ગુણવત્તા પર વિપરીત અસર થતી હોવાનું જણાવ્યું હતું. તેમના મતે, નાપાસ થવાનો ડર ન હોવાથી કેટલાક બાળકોમાં અભ્યાસ પ્રત્યેની ગંભીરતા ઘટી છે. ખાસ કરીને બાળકને એક ધોરણમાંથી બીજા ધોરણમાં આગળ વધારવામાં આવે છે ત્યારે તેની મૂળભૂત શૈક્ષણિક ક્ષમતા કેટલી વિકસી છે, તે તપાસવું જરૂરી બને છે. નો - ડિટેન્શન પોલિસીના ભાગરૂપે પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓને ધો.પ અને ૮ સિવાય અન્ય કોઈ ધોરણમાં નાપાસ કરી શકાતાં નથી.
પોલિસીનો હેતુ સાર્થક કરવાં સતત મૂલ્યાંકન જરૂરી
બાળકોની સ્પર્ધાત્મક ક્ષમતા ચકાસવા માટે સતત મૂલ્યાંકન, શિક્ષકો માટે નિયમિત વર્કશોપ, કોમ્પ્યુટર લેબની સુવિધા તથા મધ્યાહન ભોજન યોજનાના યોગ્ય મોનિટરિગ સહિતના સૂચનો કરાયા છે. નો-ડિટેન્શન પોલિસીનો અસલ પડકાર એ છે કે, બાળક ધોરણમાં આગળ વધે તેની સાથે તેની શૈક્ષણિક પાયાની ક્ષમતા પણ મજબુત બને. પ્રમોશન સાથે સતત મુલ્યાંકન શિક્ષણ પર ભાર મુકાય તે જરૂરી
મધ્યાહન ભોજન, કન્યા કેળવણી સહિતની યોજનાઓ સફળ
૮૭% આચાર્યોએ જણાવ્યું હતું કે, ભોજન મળતું હોવાથી બાળકો નિયમિત શાળાએ આવે છે, જ્યારે ૮૮%ના મતે બાળકોને મળતા પોષણમાં વધારો થયો છે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ મદદ મળે છે. જ્યારે ૯૫% આચાર્યોએ શાળા પ્રવેશોત્સવને અત્યંત જરૂરી ગણાવ્યો હતો. જ્યારે કન્યા કેળવણી યોજનાથી છોકરીઓની શાળામાં સંખ્યા વધારવામાં મદદ મળી હોવાનું ૯૭% આચાર્યોનું માનવું છે. અભ્યાસ અનુસાર ૮૨% શાળાઓમાં સ્માર્ટ બોર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત બુલેટિન બોર્ડ, ગેમ્સ, ફલેશ કાર્ડ અને પિક્ચર બુક જેવી પદ્ધતિઓનો પણ શિક્ષણમાં ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.
પહેલી જ બેચમાં ડ્રોપઆઉટ રેશિયો ૧૫થી ૧૭% થયો
૨૦૧૦માં નો-ડિટેન્શન પોલિસી લાગુ કરાઈ હતી. જેનાથી રાજ્યમાં ધો.૧થી ૮ માં ડ્રોપઆઉટ દર ઘટીને ૧.૫% થી ૨%ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો અને ૯૮% બાળકોનું નામાંકન શક્ય બન્યું હતું. પરંતુ, પાયાનું શૈક્ષણિક સ્તર ન જળવાતાં ડ્રોપઆઉટ શિફટનો મોટો પડકાર ૨૦૧૪-૧૫ પછી જ્યારે પહેલી બેય ધો.હમાં પહોંચી હતી, ત્યારે સામે આવ્યો હતો. ધો.૮ સુધી માસ-પ્રમોશન મળ્યા બાદ, ધો. ૯માં કડક પરીક્ષા આવતા જ ફેલ્યોર વધ્યો અને ડ્રોપઆઉટ રેટ ઉછળીને ૧૫% થી ૧૭% થયો હતો. આ ક્ષતિ સુધારવા સરકારે ૨૦૧૯ માં કાયદાકીય સુધારો કરી ધોરણ ૫ અને ૮માં પરીક્ષા યોજી નાપાસ કરવાની છૂટ આપી છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
