<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

દેડિયાપાડા તાલુકાના ખુરદી ગામની પ્રાથમિક શાળામાં પતરાના શેડમાં ભણતા બાળકો: નવી શાળાની માંગ

નવનિયુક્ત જિલ્લા પંચાયત સભ્યએ શાળાની હાલતનું નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે ચર્ચા કરીને સમસ્યાના ઉકેલ માટે યોગ્ય પગલાં લેવા ખાતરી આપી

( ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ખુરદી ગામે પ્રાથમિક શિક્ષણ માટે ગંભીર પરિસ્થિતિ સામે આવી છે, જ્યાં બાળકોને પતરાના શેડમાં બેસીને અભ્યાસ કરવો પડે છે. ચોમાસાની ઋતુ નજીક આવતા આ સ્થિતિ વધુ ચિંતાજનક બને છે, કારણ કે વરસાદ દરમિયાન બાળકોને ભણવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ મુદ્દે ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કરી નવી શાળાના બાંધકામ માટે માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે બાળકોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરી શકાશે નહીં. આમ આદમી પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પંચાયત સભ્ય પંકજભાઈ વસાવા અને મોરઝડી જિલ્લા પંચાયત સભ્ય સ્નેહલતાબેન જશવંતભાઈએ સ્થળ પર જઈ શાળાની હાલતનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામજનો સાથે ચર્ચા કરીને સમસ્યાના ઉકેલ માટે યોગ્ય પગલાં લેવા ખાતરી આપી હતી.
સભ્યોએ જણાવ્યું કે નવી શાળા વહેલી તકે બને તે માટે સંબંધિત તંત્રના અધિકારીઓ સાથે વાતચીત કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે, જેથી બાળકોને ખાસ કરીને ચોમાસામાં કોઈ મુશ્કેલી ન પડે. ગ્રામજનો અને વડીલોએ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે આ સમસ્યાનું જલ્દી સમાધાન આવશે.

(11:56 PM IST)