<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

બાળકોનું શિક્ષણ, પ્રાકૃતિક ખેતી અને વ્યસનમુક્તિ જ ગ્રામીણ સમૃદ્ધિ અને સશક્તિકરણનો સાચો માર્ગ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

સાણંદ તાલુકાના વિંછીયાગામે રાજ્યપાલએ ગ્રામજનો સાથે રાત્રિ બેઠક યોજી સંવાદ સાધ્યો: દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ વગર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્યપાલનું આહ્વાન

સાણંદ તાલુકાના વિંછીયા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાત્રિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગ્રામીણ જીવન, પશુપાલન અને પ્રાકૃતિક ખેતીનો બહોળો અનુભવ ધરાવતા રાજ્યપાલએ ગ્રામજનો, માતૃશક્તિ અને બાળકો સાથે અત્યંત સાહજિક અને સ્નેહસભર શૈલીમાં વાતચીત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, દરેક ગામની સાચી તાકાત તેની એકતા, ભાઈચારા અને પ્રેમમાં રહેલી છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા સવા વર્ષથી તેઓ દર અઠવાડિયે એક તાલુકાના બે ગામોની મુલાકાત લઈને લોકો સાથે સંવાદ કરી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપી રહ્યા છે.

 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ મા કે નામ અને સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશવ્યાપી શૌચાલય નિર્માણથી અને સ્વચ્છતાના કારણે સ્વાસ્થ્ય સુધારમાં મોટો ફેરફાર આવ્યો છે.  પૂજ્ય બાપુના વિચારોને ટાંકીને તેમણે પોતાના ઘર અને શેરી-મહોલ્લાઓને સંપૂર્ણ સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.

બાળકોના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના ઝડપી યુગમાં બાળકોને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું જરૂરી બન્યું છે. દીકરા અને દીકરી વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના બંનેને પૂર્ણ શિક્ષણ આપવું અનિવાર્ય છે. શિક્ષણની સાથે બાળકોને વ્યસનમુક્ત રાખવા, મોબાઈલ-ટીવીના અતિરેકથી દૂર રાખી સુસંસ્કારી બનાવવાની જવાબદારી વાલીઓ અને સમાજની છે. તેમણે ગુટખા અને અન્ય નશાથી મુક્ત રહી તંદુરસ્ત સમાજના નિર્માણનો સંદેશ આપ્યો હતો.

 રાજ્યપાલએ હરિયાણામાં કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલના ફાર્મમાં થતી ડાંગર અને અન્ય ખેતીના ઉદાહરણો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી જમીન બંજર બની રહી છે અને પાણી દૂષિત થવાનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક ખેતીથી ૫૦% પાણીની બચત થાય છે, ઉત્પાદન ખર્ચ નહિવત થઈ જાય છે અને જમીનની ફળદ્રુપતા વધે છે. આજે ગુજરાતના ૮ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તે ખુશીની વાત છે તેમ રાજ્યપાલએ ઉમેર્યું હતું.

 

પશુપાલનને ખેતીનો આધાર ગણાવતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગીર, કાંકરેજ, સાહીવાલ જેવી દેશી ગાયોની નસલ સુધારણા પર ધ્યાન આપવું જોઈએ. 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેએ  ગામમાં થયેલ સેવા સેતુ અંગે જાણકારી આપી હતી 

આ બેઠકમાં જિલ્લા અગ્રણી  શૈલેષભાઈ દાવડા, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક , વિંછીયા ગામના સરપંચ, સ્થાનિક અગ્રણીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

(12:28 PM IST)