<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સુરતમાં પૂરથી થયેલા નુકસાન સંદર્ભે પરિપત્ર જાહેર :સહાય ફોર્મ સાથે નુકસાનીના ફોટો કે વીડિયો રજૂ કરી અરજી કરવાની રહેશે

રોકડ સહાય માટે મામલતદાર કે મ્યુનિસિપલ કમિશનરને અરજી કરવાની રહેશે. અરજી કરવાની સમયમર્યાદા 6 માસ નક્કી કરાઈ:પરિપત્રમાં સહાયની રકમ, નિયમો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શિકા અપાઈ

સુરત:શહેરમાં તાજેતરમાં આવેલા પૂરના કારણે વેપારીઓ અને ઉદ્યોગકારોને થયેલા આર્થિક નુકસાન અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા પૂર નુકસાની સહાય અંગેનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સહાયની રકમ, નિયમો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શિકા આપવામાં આવી છે.

સરકારી પરિપત્ર મુજબ, પૂરના કારણે થયેલા નુકસાનની સહાય મેળવવા માટે અરજદારે નિયત સહાય ફોર્મ સાથે નુકસાની દર્શાવતા ફોટો અથવા વીડિયો પુરાવા તરીકે રજૂ કરવાના રહેશે. તૈયાર કરેલી અરજી સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર( DIC) ખાતે મોકલવાની રહેશે. રોકડ સહાય મેળવવા માટે જે તે વિસ્તારના મામલતદાર અથવા મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને અરજી કરવાની રહેશે.
જો વેપારી કે ઉદ્યોગકારે લોન લીધી હોય અને વ્યાજ સહાય યોજનાનો લાભ મેળવવો હોય, તો લોન મેળવેલા તમામ જરૂરી પુરાવા અને દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

 

ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નુકસાની સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા 6 માસની રાખવામાં આવી છે. સમયસર અરજીઓનો નિકાલ કરીને પૂરપીડિત વેપારીઓ અને ઉદ્યોગકારોને ઝડપથી આર્થિક રાહત પહોંચાડવામાં આવે તે માટે તંત્ર દ્વારા કલેક્ટર કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

(12:59 PM IST)