તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
સુરતમાં ‘આપ’ની મંથન બેઠકમાં ભડકો : ટિકિટ વહેંચણી અને નેતાઓની અવગણના મુદ્દે કાર્યકરોએ રોષ ઠાલવ્યો
ભાજપમાંથી આવેલા ‘પેરાશૂટ’ નેતાઓને પ્રાધાન્ય અને જૂના કાર્યકરોની અવગણના હારનું મુખ્ય કારણ હોવાના આક્ષેપ : નેતાઓ ફોન પણ ઉપાડતા ન હોવાની ફરિયાદ સાથે સંગઠન નબળું પડવાની ચીમકી

સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી કારમી હાર બાદ મળેલી સમીક્ષા બેઠકમાં સંગઠનની આંતરિક કલેહ સપાટી પર આવી છે. સુરત ખાતે યોજાયેલા મંથન કાર્યક્રમમાં કાર્યકરોએ નેતાઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને પરાજય માટે ટિકિટ વહેંચણીમાં થયેલી ગેરરીતિઓ તેમજ સ્થાનિક કાર્યકરોની અવગણનાને જવાબદાર ગણાવી હતી.
જૂના જોગીઓને પડતા મૂકી ‘પેરાશૂટ’ ઉમેદવારોને ટિકિટ અપાતા નારાજગી:
બેઠક દરમિયાન કાર્યકરોએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે અનેક વોર્ડમાં વર્ષોથી પાયાનું કામ કરતા નિષ્ઠાવાન કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા. તેના બદલે અન્ય વોર્ડના ઉમેદવારો અથવા ભાજપમાંથી છેલ્લી ઘડીએ આવેલા નેતાઓને ‘પેરાશૂટ’ એન્ટ્રી આપી સીધી ટિકિટ આપી દેવામાં આવી હતી. મહેનતુ કાર્યકરોને ટિકિટ આપવાના વાયદાઓ પોકળ સાબિત થતા અને અંતિમ યાદીમાં નામ ન આવતા કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.
નેતાઓ ફોન ઉઠાવતા નથી: સંવાદના અભાવે સંગઠનમાં ભંગાણની ભીતિ:
માત્ર ટિકિટ જ નહીં, પરંતુ પક્ષના ઉચ્ચ હોદ્દેદારોના વર્તન સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કાર્યકરોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન અને પરિણામો બાદ પણ મોટા નેતાઓ તેમના ફોન કોલ ઉઠાવવાની તસ્દી લેતા નથી. નેતાઓ અને કાર્યકરો વચ્ચે ઊભી થયેલી આ ખાઈને કારણે પક્ષમાં સંવાદ તૂટ્યો છે. કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો આ જ રીતે અવગણના ચાલુ રહેશે તો આગામી સમયમાં સુરતમાં સંગઠનને મજબૂત બનાવવું અશક્ય બની જશે.
નેતાઓએ સુધારાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો:
કાર્યકરોનો આક્રોશ જોઈને મંચ પર બિરાજમાન નેતાઓએ તમામ મુદ્દાઓને ગંભીરતાથી સાંભળ્યા હતા. હારના કારણોનું વિશ્લેષણ કરી ભવિષ્યમાં સંગઠનાત્મક માળખામાં જરૂરી સુધારા-વધારા કરવાની અને કાર્યકરોની ફરિયાદોનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. જોકે, બેઠકમાં જે રીતે કાર્યકરોનો ગુસ્સો ફૂટ્યો છે તે જોતા આગામી દિવસોમાં ‘આપ’ માટે સંગઠનને એકજૂથ રાખવું મોટો પડકાર બની રહેશે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
