<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ-1 અધિકારી એ.બી . ચૌધરી પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

સોલાર પેનલ નાખવા માટે સરકારી મંજૂરી લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં અધિકારી ચૌધરીએ લાંચની માંગણી કરી

ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષક કચેરીમાં ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારી AB ચૌધરી ભ્રષ્ટાચાર લાંચ કેસમાં ફસાઈ ગયા છે. તેમની કારમાંથી લાંચ લીધેલી 5 લાખની રકમ મળતાં ખળભળાટ મચ્યો છે. હાલ ACB એ આ લાંચિયા અધિકારી વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે.

 

મળતી માહિતી મુજબ એક અરજદારે સોલાર પેનલ નાખવા માટે સરકારી મંજૂરી લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ કામગીરી પૂર્ણ કરવાના બદલામાં અધિકારી ચૌધરીએ લાંચની માંગણી કરી હતી, જેનાથી કંટાળીને અરજદારે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)નો સંપર્ક કર્યો હતો. અરજદારની ફરિયાદને પગલે ACBની ટીમે છટકુ ગોઠવ્યું હતુ. આ કાર્યવાહી દરમિયાન અધિકારીની કારમાંથી લાંચમાં સ્વીકારેલી રોકડ રકમ મળી આવતા તેમને સ્થળ પર જ દબોચી લેવામાં આવ્યા હતા.

ACBએ તાત્કાલિક અસરથી AB ચૌધરીની અટકાયત કરી છે. તેમની કાર અને અન્ય સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી છે. આ લાંચકાંડમાં અન્ય કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ, તેમજ અગાઉ પણ તેમણે કેટલીક રકમ લાંચ તરીકે ઉઘરાવી છે, તે દિશામાં ACB ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

(1:03 PM IST)