<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

સરહદી જિલ્લાઓમાં હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત રોડ કનેક્ટિવિટી મજબૂત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય : કચ્છ અને બનાસકાંઠા માટે ૬૯૨ કરોડ રૂપિયા ફાળવાયા

કચ્છના ત્રણ માર્ગોને પહોળા કરવા ૩૬૩ કરોડ અને બનાસકાંઠાના શિહોરી-પાટણ માર્ગને ફોરલેન બનાવવા ૨૨૯ કરોડ મંજૂર : પ્રવાસન, ઉદ્યોગ અને વેપાર-ધંધાને મળશે નવો વેગ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: રાજ્યના સરહદી જિલ્લાઓમાં હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત રોડ કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનાવવાના આશયથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં અતિમહત્વના ધોરીમાર્ગોને પહોળા કરવા તેમજ ફોરલેન બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને કુલ ૬૯૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

આ નિર્ણય અંતર્ગત રસ્તાઓને ૭ મીટરમાંથી ૧૦ મીટર પહોળા કરવા માટે કચ્છ જિલ્લાને ૩૬૩ કરોડ રૂપિયા જ્યારે ૧૦ મીટર માર્ગને ફોરલેન કરવા માટે બનાસકાંઠા જિલ્લાને ૨૨૯ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

કચ્છ જિલ્લાના વિકાસકામો:
હાઈ સ્પીડ કોરિડોર યોજના હેઠળ કચ્છ જિલ્લામાં પાન્ધ્રો-નારાયણ સરોવર રોડ, લખપત-નારાયણ સરોવર રોડ અને દયાપર-સુભાષપર-પાન્ધ્રો રોડ એમ ત્રણ મુખ્ય માર્ગોને ૭ મીટરથી વધારીને ૧૦ મીટર પહોળા કરવા માટે ૩૬૩ કરોડ રૂપિયાના કામો મંજૂર કરાયા છે. આ માર્ગો પહોળા થવાથી નારાયણ સરોવર અને કોટેશ્વર જેવા પવિત્ર યાત્રાધામો તથા આસપાસના પ્રવાસન સ્થળો સુધીનો પ્રવાસ વધુ સરળ અને આરામદાયક બનશે, જેનાથી સ્થાનિક પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે.

બનાસકાંઠા જિલ્લાનો રોડ પ્રોજેક્ટ:
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિહોરી-પાટણ રોડને ૧૦ મીટરથી પહોળો કરીને ચાર માર્ગીય (ફોરલેન) બનાવવા માટે ૨૨૯ કરોડ રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે.

આર્થિક અને સામાજિક ફાયદા:
કચ્છ અને બનાસકાંઠાના આ રસ્તાઓ આજુબાજુના તાલુકાઓને એકબીજા સાથે જોડતા હોવાથી ગ્રામીણ નાગરિકો માટે સલામત અને ઝડપી વાહનવ્યવહાર સુનિશ્ચિત થશે. રસ્તાઓ ફોરલેન અને પહોળા બનવાથી આસપાસના નાના-મોટા ઔદ્યોગિક તેમજ વાણિજ્ય વિસ્તારોમાં ભારે વાહનોની અવરજવર સરળ બનશે. પરિણામે સ્થાનિક ઉદ્યોગો, વેપાર-ધંધા અને કૃષિ ઉત્પાદનોના પરિવહનમાં નોંધપાત્ર સુધારો થશે અને બંને જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ મળશે.

(7:16 PM IST)