News of Tuesday, 22nd September 2026
સી.એમ.એમ. ભારત દ્વારા વિરમગામ ખાતે ગણપતિ દાદાના પ્રસાદરૂપે સગર્ભા બહેનોને સુખડીનું વિતરણ
વિરમગામ શહેરની ૧૦૦થી વધુ સગર્ભા બહેનોને આશા બહેનો દ્વારા સુખડીના પેકેટ ઘરે પહોંચાડવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સી.એમ.એમ. ભારત દ્વારા ગણેશોત્સવ દરમિયાન વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ગણપતિ દાદાને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વિરમગામ શહેરની ૧૦૦થી વધુ સગર્ભા બહેનોને ગણપતિ દાદાના પ્રસાદરૂપે સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિચરતી અને વિમુક્ત જાતિ - ઘૂમંતુ કાર્ય સાથે સંકળાયેલા બાંધવો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ૧૦ સગર્ભા બહેનોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીની ૯૦થી વધુ સગર્ભા બહેનોને આશા બહેનો તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમના ઘરે સુખડીના પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની આરતી ઉતારી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ લોકોનો સી.એમ.એમ. ભારતના વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી પોષણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય માત્રામાં પૌષ્ટિક આહાર લેવા તેમજ આયર્ન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળીઓ તબીબી સલાહ મુજબ લેવા અંગે જાણકારી આપવામાં આવી હતી. મગ, મગનું પાણી, કઠોળ, સિંગ, સુખડી તથા લીલા શાકભાજી જેવા પૌષ્ટિક ખોરાકને આહારમાં સામેલ કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ બાદના સમયગાળા દરમિયાન માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર તથા આરોગ્ય સેવાઓ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
