તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
માંજલપુર પેટાચૂંટણી પહેલા ભાજપમાં 'કોલ્ડ વૉર': પૂર્વ મેયર નિલેશ રાઠોડે અલ્પેશ લિમ્બાચિયા વિરુદ્ધ ઠોક્યો બદનક્ષીનો દાવો!
સત્તાની ખુરશી માટે ભાજપમાં જૂથવાદ વકર્યો, સોશિયલ મીડિયા પરની કથિત બદનક્ષી હવે કોર્ટના ઉંબરે; રાજકીય ગણિતોમાં ઉથલપાથલની શક્યતા

વડોદરા: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીનું રણશિંગું ફૂંકાય તે પહેલા જ ભાજપના આંતરિક ગોઠવણોમાં મોટો વિવાદ પેદા થયો છે. ભાજપના દિગ્ગજ નેતા અને વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડે પોતાની અને પોતાના પરિવારની પ્રતિષ્ઠા ખરડવાના આરોપ સાથે પક્ષના જ અન્ય નેતા અલ્પેશ લિમ્બાચિયા સહિત ત્રણ લોકો વિરુદ્ધ કોર્ટમાં ફોજદારી બદનક્ષીનો દાવો દાખલ કરીને રાજકીય ભૂકંપ સર્જી દીધો છે.
આક્ષેપોની ગંભીરતા અને કાયદાકીય જંગ
નિલેશ રાઠોડે અલ્પેશ લિમ્બાચિયા, તેમના સાળા અમિત લિમ્બાચિયા અને આકાશ નાઈ પર આરોપ લગાવ્યો છે કે આ ત્રણેયે સોશિયલ મીડિયા અને પત્રિકાઓના માધ્યમથી પાયાવિહોણી અને અપમાનજનક સામગ્રી ફેલાવીને વર્ષોની મહેનતથી બનાવેલી તેમની છબી ખરડવાનું કાવતરું રચ્યું છે. નિલેશ રાઠોડના વકીલ એડવોકેટ અમીષ દાદાવાલાના જણાવ્યા અનુસાર, અગાઉ આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ યોગ્ય પરિણામ ન મળતા હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ સીધી કોર્ટમાં ફોજદારી બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ટૂંક સમયમાં માનહાનિ બદલ મોટો સિવિલ દાવો પણ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે.
ચૂંટણી પહેલા આંતરિક જૂથવાદ ચરમસીમાએ
રાજકીય વિશ્લેષકોના મતે, આ માત્ર કાનૂની લડાઈ નથી, પરંતુ માંજલપુર પેટાચૂંટણીમાં ઉમેદવારી મેળવવા માટેની 'સત્તાની ખેંચતાણ' છે. નિલેશ રાઠોડ અને અલ્પેશ લિમ્બાચિયા બંને પક્ષમાં મજબૂત દાવેદાર ગણાય છે, ત્યારે આ વિવાદે પક્ષમાં બે પાતળા જૂથો વચ્ચેના ખાઈને વધુ ઊંડી બનાવી દીધી છે. પેટાચૂંટણીના ઉમેદવારીના ગણિતમાં આ કેસ ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે પક્ષના હાઈકમાન્ડ માટે હવે સ્થિતિને નિયંત્રિત કરવી એક પડકાર બની ગઈ છે.
ભાજપમાં મૌન અને રાજકીય ચર્ચાઓનો દોર
હાલમાં આ મામલે ભાજપ પક્ષ દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ વડોદરાના રાજકીય વર્તુળોમાં આ કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે પક્ષના જ નેતાઓ વચ્ચેના આ પ્રકારના જાહેરમાં આવેલા વિખવાદને કારણે કાર્યકર્તાઓમાં પણ મૂંઝવણ જોવા મળી રહી છે. આ કાનૂની લડાઈ આગામી દિવસોમાં ભાજપની ટિકિટ ફાળવણી પર શું અસર કરશે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
