તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
તાપી જિલ્લાના ખેડૂતોને ખરીફ ઋતુમાં સમયસર અને પૂરતું ખાતર પહોંચાડવા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ મહત્વની બેઠક : કાળાબજારી રોકવા તાલુકા સ્તરે ખાસ મોનીટરીંગ સમિતિઓ રચાશે
નાના અને સીમાંત ખેડૂતો સુધી ખાતરનો જથ્થો સમાન રીતે પહોંચાડવા અને કૃત્રિમ તંગી ઉભી કરનારા વિક્રેતાઓ પર નજર રાખવા કૃષિ વિભાગને માઈક્રો પ્લાનિંગ સાથે આગોતરા આયોજનની કલેક્ટરે આપી સ્પષ્ટ સૂચના

વ્યારા: આગામી ખરીફ ઋતુને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લાના ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેમજ ખાતરના ગેરકાયદેસર દુરૂપયોગ અને કાળાબજારી પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અત્યારથી જ સક્રિય બન્યું છે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં ખાતરની વર્તમાન ઉપલબ્ધતા અને આગામી સમય માટેની વિતરણ વ્યવસ્થા અંગે સઘન પરામર્શ કરવામાં આવી હતી.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે યોજાયેલી આ બેઠક દરમિયાન કલેક્ટર દેવ ચૌધરીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જિલ્લામાં કોઈપણ ખેડૂતને ખાતર મેળવવા માટે સામાન્ય હાલાકી પણ ન ભોગવવી પડે તે માટે તાલુકા સ્તરે ખાસ મોનીટરીંગ વ્યવસ્થા ઉભી કરવી પડશે. ખાતરના વિક્રેતાઓ ઉપર સતત અને કડક નજર રાખવા માટે તાલુકા કક્ષાએ વિશેષ સમિતિઓની રચના કરવામાં આવશે અને કૃષિ વિભાગ દ્વારા આખું માઈક્રો પ્લાનિંગ તૈયાર કરીને વહીવટી આયોજન હાથ ધરાશે.
બેઠકમાં કલેક્ટરે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે ફાળવવામાં આવતો ખાતરનો જથ્થો માત્ર મોટા ખેડૂતો પૂરતો મર્યાદિત ન રહી જવો જોઈએ, પરંતુ તે અંતરિયાળ વિસ્તારના નાના અને સીમાંત ખેડૂતો સુધી પણ સમાન અને પારદર્શી રીતે પહોંચવો જોઈએ. ખરીફ સીઝન દરમિયાન જિલ્લામાં ખાતરની અછત અથવા કોઈ વેપારી દ્વારા કૃત્રિમ તંગી ઉભી ન કરાય તે માટે તમામ સંબંધિત અધિકારીઓને અગાઉથી જ સજ્જ રહી આગોતરા આયોજન કરવા આદેશ અપાયા હતા. ખેડૂતોને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાતર ઉપલબ્ધ થાય તો વાવણી અને પાક ઉત્પાદન બંનેમાં મોટો આર્થિક લાભ મળી શકે છે, જેથી જિલ્લા તંત્ર સમગ્ર વિતરણ વ્યવસ્થા ઉપર ખાસ વોચ રાખશે.
ખાતર ખરીદતી વખતે ખેડૂતોએ રાખવાની ખાસ કાળજીઓ:
તાપી જિલ્લા તંત્ર દ્વારા ખરીફ સીઝનમાં ખાતર લેતા ખેડૂતો માટે કેટલીક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે મુજબ:
* ખેડૂતોએ માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતા સરકારી કે ખાનગી ખાતર વિક્રેતાઓ પાસેથી જ ખાતરની ખરીદી કરવી.
* ખાતર ખરીદ્યા બાદ તેની સત્તાવાર પાકી બિલ-રસીદ વિક્રેતા પાસેથી અવશ્ય આગ્રહ રાખીને લેવી.
* પોતાની વાસ્તવિક જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવું અને બિનજરૂરી જથ્થાબંધ ખરીદી કે સંગ્રહખોરી કરવાથી બચવું.
* જો કોઈ વિક્રેતા દ્વારા કાળાબજારી કરવામાં આવતી હોય, વધુ ભાવ વસૂલવામાં આવતા હોય કે ખાતરની કૃત્રિમ અછત બતાવવામાં આવે તો તાત્કાલિક નજીકના કૃષિ અધિકારીનો સંપર્ક કરી જાણ કરવી.
* ખેતીવાડી નિષ્ણાતોની સલાહ મુજબ પોતાના ખેતરનું જમીન પરીક્ષણ (સોઈલ ટેસ્ટીંગ) કરાવીને તેના આધારે જ માત્રા મુજબ ખાતરનો ઉપયોગ કરવો, જેથી ઉત્પાદન ખર્ચ ઘટે અને પાકને મહત્તમ ફાયદો થાય.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
