તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
મહેસૂલ વિભાગ હસ્તકની જિલ્લા-તાલુકા કચેરીઓમાં વર્ગ-૩ના કર્મચારીઓની આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ : રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તાકીદની વહીવટી જરૂરિયાત સમયે કલેક્ટર ત્વરિત બદલીઓ કરી શકશે : અરજદારોના કામો ઝડપથી ઉકેલાશે : સબ રજિસ્ટ્રાર અને સર્વેયર સહિતના કર્મચારીઓને નિર્ણય લાગુ પડશે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સુદ્રઢ અને લોકાભિમુખ બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, મહેસૂલ વિભાગ હસ્તકના ખાતાના વડાઓની કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓની જિલ્લા પૂરતી આંતરિક બદલી (Intra-District Transfer) કરવાની સત્તાઓ હવે સીધી સંબંધિત જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. જોકે, જે તે ખાતાના વડાની બદલીઓ અંગેની મૂળ સત્તાઓ યથાવત રહેશે.
રાજ્યમાં જિલ્લા કક્ષાએ મહેસૂલી તંત્રની સંપૂર્ણ દેખરેખ અને સંકલન કલેક્ટર દ્વારા કરવામાં આવતું હોય છે. અગાઉ ઘણીવાર અનિવાર્ય કે તાકીદના વહીવટી સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાના કારણે કચેરીઓમાં અરજદારોના કામો લંબાતા હતા. રાજ્ય સરકારની પુખ્ત વિચારણાના અંતે હવે અચાનક કામનું ભારણ વધે કે કામગીરીને વેગ આપવાનો હોય ત્યારે ત્વરિત નિર્ણયો લઈ શકાય તે માટે કલેક્ટરને આ આંતરિક બદલીની સત્તા સોંપવામાં આવી છે.
અગાઉના નિયમો મુજબ કલેક્ટર પાસે માત્ર નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટીઓની જ બદલી કરવાની સત્તા હતી. પરંતુ નવા નિર્ણયના પરિણામે હવે કલેક્ટર મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ-૩ના કર્મચારીઓ જેવા કે સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૧, સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૨, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકૂન વગેરેની પણ જિલ્લાની હદ પૂરતી બદલી કરી શકશે.
આ નવી વ્યવસ્થામાં કેટલીક સ્પષ્ટ માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી છે:
મહેકમની મર્યાદા: આ બદલીઓ જે તે ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે. ઉદાહરણ તરીકે, સેટલમેન્ટ કમિશનરના તાબા હેઠળના સર્વેયરની બદલી તેમની જ કચેરીની શાખાઓમાં કરી શકાશે, પરંતુ તેમની બદલી નોંધણી સર નિરીક્ષક કે સ્ટેમ્પ ડ્યુટી કચેરી હેઠળ કરી શકાશે નહીં.
વિભાગીય સંકલન: કલેક્ટર દ્વારા બદલીની પ્રક્રિયા હાથ ધરતી વખતે સંબંધિત જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારી સાથે જરૂરી સંકલન કરવાનું ફરજિયાત રહેશે, જેથી કચેરીઓની રોજબરોજની કામગીરી ખોરવાય નહીં.
નિયમોનું પાલન: બદલીઓ કરતી વખતે સામાન્ય વહીવટ વિભાગ તથા મહેસૂલ વિભાગના પ્રવર્તમાન બદલી નિયમો અને નીતિવિષયક માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સરકારના આ પ્રજાભિમુખ નિર્ણયથી જિલ્લા અને તાલુકા કક્ષાએ વહીવટી નિર્ણયો અત્યંત ઝડપી બનશે. કોઈ ચોક્કસ કચેરી કે તાલુકામાં અરજીઓનો નિકાલ બાકી હોય કે કામનું ભારણ અચાનક વધી જાય, ત્યારે કલેક્ટર તુરંત કર્મચારીઓની આંતરિક બદલી કરીને કામગીરીને ગતિ આપી શકશે, જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
