<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

શિક્ષણ સાથે સંવેદનાનો સમન્વય : રાજપીપળા ખાતે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ‘મનોદર્પણ’ યોજના અંતર્ગત બે દિવસીય રાજ્યસ્તરીય વિમર્શ યોજાયો

NCERT અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ : શાળામાં ભયમુક્ત વાતાવરણ નિર્માણ કરવા શિક્ષકોની ભૂમિકા પર વિશેષ ભાર

વાવડી:વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સુખાકારી અને સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને શિક્ષણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ NCERT તથા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ‘મનોદર્પણ’ યોજના અંતર્ગત તા. ૨૪ અને ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજપીપળા ખાતે બે દિવસીય રાજ્યસ્તરીય વિમર્શ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણવિદો તથા મનોવિજ્ઞાન ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા શાળાકીય વાતાવરણ અને માનસિક સ્વાસ્થ્ય, લાઇફ સ્કિલ્સ, ભાવનાત્મક સમતુલન, સમાવેશી શિક્ષણ, ડિજિટલ ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ માનસિક સ્વાસ્થ્યલક્ષી વિવિધ પહેલો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નિર્ણયશક્તિ અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા વિકસાવવા તથા શાળામાં ભયમુક્ત અને હકારાત્મક વાતાવરણ ઊભું કરવા માટે શિક્ષકોની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

આ રાજ્યસ્તરીય તાલીમ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર–ચણાકા માધ્યમિક શાળાના શિક્ષિકા શ્રીમતી મીરા સતિષભાઈ વૈષ્ણવે સહભાગી બનીને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારી અંગેના મનોવૈજ્ઞાનિક અભિગમો તથા વ્યવહારુ પદ્ધતિઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી.

પોતાના અનુભવો શેર કરતાં તાલીમાર્થી શિક્ષિકા શ્રીમતી મીરા વૈષ્ણવે જણાવ્યું હતું કે, શિક્ષકની જવાબદારી માત્ર વિષયશિક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીના મન, વર્તન અને લાગણીઓને સમજીને તેને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ તાલીમ દરમિયાન પ્રાપ્ત થયેલા જ્ઞાન અને મનોવૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ આગામી સમયમાં શાળાના વિદ્યાર્થીઓ માટે હકારાત્મક વાતાવરણ ઊભું કરવા અને તેમના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવશે. (અહેવાલ - મુકેશ પંડિત)

(7:11 PM IST)