તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
અમદાવાદના ઓઢવમાં આર્યસમાજ દ્વારા આયોજિત સાત દિવસીય સંસ્કાર શિબિરની પૂર્ણાહુતિ : 150 બાળકોએ મેળવ્યું ભવ્ય વૈદિક સંસ્કારોનું ભાથું
જનપ્રતિનિધિ દિપક પંચાલે રાષ્ટ્રપ્રેમ અને ઉજ્જવળ કારકિર્દી માટે બાળકોને આપ્યા આશીર્વચન : પ્રફુલ વોરા અને દિનેશ શાહના માર્ગદર્શન હેઠળ અગ્નિહોત્ર અને નૈતિકતાના પાઠ ભણાવવામાં આવ્યા

અમદાવાદ: વર્તમાન સમયમાં નવી પેઢીમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી આર્ય સમાજ, ઓઢવ દ્વારા ઉનાળુ વેકેશન નિમિત્તે આયોજિત સાત દિવસીય સંસ્કાર શિબિરની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આ શિબિરમાં અમદાવાદના પૂર્વ વિસ્તારના મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાઓની જાણકારી મેળવી હતી.
વૈદિક પરંપરા અને નૈતિકતાના પાઠ:
સાત દિવસ સુધી ચાલેલી આ વિશેષ શિબિરમાં 7 થી 15 વર્ષની વયના આશરે 150 જેટલા બાળકો સહભાગી થયા હતા. શિબિર દરમિયાન બાળકોને દૈનિક અગ્નિહોત્ર (યજ્ઞ), વૈદિક સંસ્કારોનું મહત્વ, વ્યસનમુક્ત જીવનશૈલી અને નૈતિકતાના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આજના સમયમાં વિભક્ત થતા જતાં પરિવારો વચ્ચે સંયુક્ત કુટુંબનું મહત્વ અને રાષ્ટ્રપ્રેમ જેવા ગંભીર વિષયો પર પણ બાળકોને સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી હતી.
જનપ્રતિનિધિએ વધાર્યો બાળકોનો ઉત્સાહ:
શિબિરના પૂર્ણાહુતિ પ્રસંગે નિકોલ વિસ્તારના નવનિર્વાચિત જનપ્રતિનિધિ દિપક પંચાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકો સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, સંસ્કાર જ મનુષ્યના જીવનનો સાચો પાયો છે. તેમણે બાળકોને નૈતિક મૂલ્યો સાથે ભવ્ય કારકિર્દી બનાવી રાષ્ટ્ર માટે ઉચ્ચ શિખરો સર કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
આયોજકોની મહેનત લાવી રંગ:
સમગ્ર શિબિરનું સફળ આયોજન અને સંચાલન આર્ય સમાજ, ઓઢવના પ્રધાન પ્રફુલ વોરા, દિનેશ શાહ, લાલચંદ ટેકચંદાની અને રાજકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શિબિરના અંતે બાળકોમાં એક નવો ઉત્સાહ અને સંસ્કાર પ્રત્યેની જાગૃતિ જોવા મળી હતી. વાલીઓએ પણ આર્ય સમાજની આ પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવા આયોજનોથી બાળકોમાં માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. આ શિબિરના માધ્યમથી નવી પેઢીને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી દૂર રાખી ભારતીય મૂલ્યો તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
