<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

સીએનજીના ભાવવધારાથી ચિંતિત રિક્ષા-ટેક્સી યુનિયને મુખ્યમંત્રીને લખ્યો પત્ર: વિશેષ રાહત પેકેજ અને સબસિડીની માગ

ઇંધણના ઊંચા ભાવને કારણે ડ્રાઇવરો મુશ્કેલીમાં મુકાયા અને જો ભાડા વધશે તો મધ્યમવર્ગીય લોકોને સીધી સમસ્યા પડશે તેવી ગંભીર રજૂઆત

અમદાવાદ :રાજ્યમાં સીએનજી (CNG) ગેસના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ઓટો રિક્ષા અને ટેક્સી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને ડ્રાઇવરોની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને રિક્ષા-ટેક્સી યુનિયન દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સત્તાવાર રીતે પત્ર લખીને ગંભીર રજૂઆત કરવામાં આવી છે. યુનિયને જણાવ્યું છે કે સીએનજીના આસમાને પહોંચેલા ભાવના કારણે ડ્રાઇવરો માટે આર્થિક સંકટ ઊભું થયું છે.

યુનિયને રજૂઆત કરી છે કે ગત તારીખ 22/06/ 2026 ના રોજ ભાડાકીય મંજૂરી કે મૌખિક સહમતિ સાથે નવું ભાડું વધારવા અંગેની પ્રક્રિયાનું નોટિફિકેશન નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આજદિન સુધી આ નવું ભાડું સત્તાવાર રીતે લાગુ કરવાનું નોટિફિકેશન સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યું નથી. નોટિફિકેશનના અભાવે રિક્ષાચાલકો અને મુસાફરો વચ્ચે રોજના ઝઘડા અને ઘર્ષણના બનાવો બની રહ્યા છે. મુસાફરો પાસેથી નવું ભાડું વસૂલવું શક્ય બનતું નથી, અને જો રિક્ષાચાલક મોંઘા ગેસ સામે થોડું વધારે ભાડું માંગે તો મુસાફરો સાથે બોલાચાલી થાય છે, જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ માઠી અસર પડે છે.

મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલા પત્રમાં યુનિયને મુખ્યત્વે બે મોટી માગણીઓ મૂકી છે. પ્રથમ, સીએનજીના વધેલા ભાવ સામે ડ્રાઇવરોને સીધી રાહત મળે તે માટે સરકાર દ્વારા એક વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે. બીજું, ડ્રાઇવરો પરનો આર્થિક બોજ હળવો કરવા માટે તેમને સબસિડી આપવામાં આવે તેવી પ્રબળ માગ કરવામાં આવી છે. સીએનજી ઇંધણ પર સંપૂર્ણપણે નિર્ભર રહીને વાહનો ચલાવતા ચાલકોએ સરકાર પાસે તાત્કાલિક ધોરણે આર્થિક સહાય પૂરી પાડવા માટે આજીજી કરી છે.

ઉલ્લેખનીય છે કે જો ભાડા વધારવામાં આવશે તો તેની સીધી અને નકારાત્મક અસર રોજબરોજ મુસાફરી કરતા સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોના ખિસ્સા પર પડશે. મોંઘવારીના આ સમયમાં ભાડા વધવાને કારણે આમ જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડશે, જેથી સરકારે સમયસર હસ્તક્ષેપ કરીને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવો જોઈએ તેવી માગ ઉઠી છે.

(11:03 PM IST)