તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
અમદાવાદમાં મુસાફરોની ચિંતા વધી: ઓનલાઈન કંપનીઓ અને બાઈક ટેક્સીના વિરોધમાં ૭થી ૧૦ સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો ચાર દિવસની હડતાળ પર!
એપ આધારિત કંપનીઓ દ્વારા થતા આર્થિક શોષણ અને ગેરકાયદે બાઈક ટેક્સીઓ સામે GMDC ગ્રાઉન્ડ ખાતે યુનિયનોએ એકજૂથ થઈને લીધો નિર્ણય; એરપોર્ટ અને રેલવે સ્ટેશને મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડશે

અમદાવાદ, તા.૦૪: અમદાવાદ શહેરમાં આગામી ૭ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન જાહેર પરિવહન સેવાઓ પર મોટી બ્રેક વાગવા જઈ રહી છે. શહેરના તમામ ટેક્સી અને રિક્ષા યુનિયનોએ એકજૂથ થઈને ચાર દિવસીય સંપૂર્ણ હડતાળનું એલાન કર્યું છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તહેવારોના આ દિવસોમાં હડતાળને કારણે દૈનિક મુસાફરો, સ્થાનિક રહેવાસીઓ, નોકરીયાત વર્ગ અને દર્દીઓ માટે મુસાફરી કરવી ભારે મુશ્કેલ બની શકે છે.
રિક્ષા અને ટેક્સી ચાલકોના જણાવ્યા મુજબ, ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી ઓનલાઈન એપ આધારિત કંપનીઓની નીતિઓ અને ઊંચા કમિશનના દરને કારણે સામાન્ય ડ્રાઈવરોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી ટુ-વ્હીલર (બાઇક) ટેક્સી સેવાઓને તાત્કાલિક ધોરણે બંધ કરવાની તેમની મુખ્ય માંગ છે. વાહનવ્યવહાર વિભાગ અને સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતાં આખરે ચાલકોએ લડતનું આકરું વલણ અપનાવ્યું છે.
ચાર દિવસની આ સંપૂર્ણ હડતાળ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન, સાબરમતી ટર્મિનસ અને એરપોર્ટ ખાતેથી મુસાફરી કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. રિક્ષા અને કેબ રોડ પરથી ગાયબ થતાં ઓફિસ-કોલેજ જતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે AMTS અને BRTS બસ સેવાઓ પર નિર્ભર રહેવું પડશે, જેના કારણે સરકારી બસોમાં ભારે ભીડ જોવા મળી શકે છે. હવે સૌની નજર વાહનવ્યવહાર વિભાગ પર છે કે તેઓ ૭ સપ્ટેમ્બર પહેલાં યુનિયનો સાથે વાટાઘાટો કરીને હડતાળનો ઉકેલ લાવે છે કે નહીં.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
