<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

અમદાવાદમાં પ્રખ્યાત ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને અસમંજસ: લાઈવ કોન્સર્ટને હજુ સુધી ફાયરની NOC મળી નથી

આયોજકોએ ફાયર NOC અને સ્ટેન્ડબાય ફાયર બ્રિગેડ માટે કરી અરજી: હવે સૌની નજર ફાયર વિભાગના આગામી નિર્ણય પર ટકેલી છે

અમદાવાદ: શહેરમાં આગામી 21 નવેમ્બરના રોજ યોજાનાર જાણીતા પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝના ભવ્ય લાઈવ કોન્સર્ટને લઈને હાલ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયોજિત આ મેગા ઈવેન્ટને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આ કોન્સર્ટને હજુ સુધી અમદાવાદ ફાયર વિભાગ તરફથી ફાયર એનઓસી મળી ન હોવાની વિગતો સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આટલા મોટા પાયે યોજાનાર સંગીત સમારોહ માટે ફાયર વિભાગની સત્તાવાર NOC અત્યંત જરૂરી અને ફરજિયાત હોય છે. કોન્સર્ટની તારીખ નજીક આવી રહી હોવા છતાં મંજૂરી ન મળી હોવાથી આયોજકો દ્વારા અમદાવાદ ફાયર વિભાગમાં ફાયર NOC મેળવવા માટે અરજી કરવામાં આવી છે. આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને હજારો પ્રેક્ષકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે કોન્સર્ટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડી સ્ટેન્ડબાય રાખવા માટે પણ આયોજકોએ અરજી કરી છે.

 

 

 

 

દિલજીત દોસાંઝના આ લાઈવ કોન્સર્ટને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના યુવાનો અને સંગીત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, ફાયર સેફ્ટીના નિયમો મુજબ ફાયર વિભાગની મંજૂરી વિના કોઈપણ જાહેર કાર્યક્રમ યોજવો શક્ય નથી. આયોજકો દ્વારા મંજૂરી માટે અરજી કરી દેવામાં આવી છે, પરંતુ જ્યાં સુધી ફાયર વિભાગ સ્થળનું નિરીક્ષણ કરીને સત્તાવાર NOC જારી ન કરે, ત્યાં સુધી કોન્સર્ટના આયોજન પર અસમંજસ યથાવત રહેશે. હવે સૌની નજર ફાયર વિભાગના આગામી નિર્ણય પર ટકેલી છે.

(11:58 PM IST)